ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : સમાજમાં વધી રહેલા વંધ્યત્વના પડછાયાં વચ્ચે નવી દિશા અને સકારાત્મક અભિગમ રજૂ કરવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ “દંપત્તિ પ્રશિક્ષણ વર્ગ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય નવપરણિત અને સંતાનવાંચ્છુક દંપત્તિઓને પ્રાચીન ભારતીય જ્ઞાનપ્રણાલી, આધુનિક વૈજ્ઞાનિક સમજ અને આયુર્વેદ આધારિત જીવનશૈલીના આધાર પર સંતાનપ્રાપ્તિ માટે યોગ્ય રીતથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તૈયારી માટે માર્ગદર્શન આપવાનું છે.
આજના સમયમાં નવી પેઢી નવા પડકારોનો સામનો કરી રહી છે. જીવનશૈલીમાં ધીરે ધીરે થયેલા બદલાવ, અનિયમિત અને કૃત્રિમ આહાર, ઊંઘનો અભાવ અને સતત ડિજીટલ એક્સપોઝર, સાથે સાથે વ્યવસાયિક દબાણ, સામાજિક અપેક્ષાઓ અને વૈવાહિક ઉંમરના વિલંબના કારણે મોટા પ્રમાણમાં દંપતીઓમાં પ્રજનનસંબંધિત સમસ્યાઓ સર્જાઈ રહી છે. તેના પરિણામે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ વંધ્યત્વનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
હાલના સમયમાં અનેક દંપત્તિઓને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના પરિણામે લોકો મોટા ખર્ચ વેઠી IVF, IUI, ICSI જેવી સહાયક પ્રજનન પદ્ધતિઓ તરફ ધસી રહ્યાં છે. અનેક વખત આ પ્રયત્નો નિષ્ફળ જતાં ભાવનાત્મક, આર્થિક અને સામાજિક નુકસાન સર્જાય છે. આ જ સમયે ભારતની પરંપરાગત આયુર્વેદ તથા ગુણાત્મક જીવનશૈલી ઉપર આધારિત માર્ગદર્શનમાં એવી અનેક સંભાવનાઓ છે, જે ઉત્કૃષ્ટ સંતાનસંપત્તિ માટે યોગ્ય માળખું તૈયાર કરી શકે છે. આ દ્રષ્ટિએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા “દંપત્તિ પ્રશિક્ષણ વર્ગ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર રીતે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અધ્યયનને આધારે રચાયું છે.
આ કાર્યક્રમમાં સહભાગી થનાર દંપત્તિઓનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવશે તથા આયુર્વેદ, યોગ, પ્રાણાયામ, ધ્યાન, પોષણયુક્ત આહાર, વિચાર શિસ્ત, જીવનશૈલી અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સંકલિત માર્ગદર્શન આપવામાં આવશે. જેનાથી દંપતી માત્ર શારીરિક સ્તરે નહીં પરંતુ માનસિક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે પણ સંતાન માટે તૈયાર થાય.
આ કાર્યક્રમમાં જોડાવવા માટે કોઈપણ દંપત્તિ તા.30/06/2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઈટ www.cugujarat.ac.in પર દંપત્તિ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 9898338898, 9099957309 ઉપર સંપર્ક કરશો અથવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની રૂબરૂ મુલાકાત લઈ શકો છો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ