પરિયા મુખ્ય શાળા પરિસરમાં રૂ. 1.66 કરોડના ખર્ચે નિર્માણ થયેલી શાળાના નવા મકાનનું મંત્રીએ લોકાર્પણ કર્યું
વલસાડ, 27 જૂન (હિ.સ.) - રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડી તાલુકાના પરિયા ગામની પરિયા મુખ્ય શાળા, પરિયા બરવાડી પ્રાથમિક શાળા અને ડી.આર.જી.ડી એન્ડ પી.એમ.જે માધ્યમિ
Surat


વલસાડ, 27 જૂન (હિ.સ.) - રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડી તાલુકાના પરિયા ગામની પરિયા મુખ્ય શાળા, પરિયા બરવાડી પ્રાથમિક શાળા અને ડી.આર.જી.ડી એન્ડ પી.એમ.જે માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ૨૩ મી કડીની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી.

રાજ્ય સરકારના ફ્લેગશીપ કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના બીજા દિવસે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓને અભિનંદન આપતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સરકારી શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ઉત્સાહ પણ વધી રહ્યો છે, તે માટે વાલીઓ અભિનંદનને પાત્ર છે કે, જેમણે સરકારી શાળા પર વિશ્વાસ મુક્યો છે. જે બાળકમાં પ્રતિભા છે તેને તક આપવામાં આવે તો તે ચોક્કસ આગળ વધી શકે છે. ક્લાઈમેટ ચેન્જ અંગે મંત્રીએ કહ્યું કે, વૃક્ષો રોપી પર્યાવરણને બચાવી શકીએ છે અને આપણા વિસ્તારની શોભા પણ વધારી શકીએ છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ, મા કે નામ અભિયાન શરૂ કરાવી દેશવાસીઓને વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીએ બાળકોને રોડ સુરક્ષા બાબતે સમજણ આપી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનએ સર્વાંગી વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત, વન બંધુ યોજના, સાગરખેડુ યોજના સહિતની અનેક મહત્વકાંક્ષી યોજનાઓ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જેના ફળસ્વરૂપે રાજ્યભરમાં ગામે ગામ પ્રવેશોત્સવ ઉજવાય રહ્યો છે, ગામડાની સ્કૂલમાં ભણીને બાળકો ધગશ સાથે આગળ વધી શકે છે. દરેક ગામમાં ઘર ઘર સુધી શિક્ષણ પહોંચે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ લઇ દીકરી આગળ વધે અને સમાજ તેમજ રાષ્ટ્રનું નામ રોશન કરે એ આ યોજનાનો હેતુ છે. અંતે મંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળી વિકાસની રાહમાં પોતાનું યોગદાન આપીએ એવું આહવાન કર્યું હતું.

પરિયા મુખ્ય શાળા ખાતે આંગણવાડીમાં ૬ કુમાર અને ૮ કન્યા મળી ૧૪ બાળકો, બાળવાટીકામાં ૫ કુમાર અને ૫ કન્યા મળી કુલ ૧૦ બાળકો, ધો. ૧ માં ૧૪ કુમાર અને ૧૦ કન્યા મળી ૨૪ બાળકો, ધો. ૬ માં ૧૭ અને ધો. ૯ માં ૩૬ બાળકો, પરિયા બરવાડી પ્રાથમિક શાળા આંગણવાડીમાં એક કુમાર, બાલવાટિકામાં બે કુમાર અને એક કન્યા મળી કુલ ૩ બાળક, ધો. ૧ માં એક કુમાર, અને ડી.આર.જી.ડી એન્ડ પી.એમ.જે માધ્યમિક શાળામાં ધો. ૯ માં ૮૦ કુમાર અને ૭૦ કન્યા મળી કુલ ૧૫૦ વિદ્યાર્થીઓનો મંત્રીના હસ્તે ભેટ શેક્ષણિક કિટ આપી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

પરિયા મુખ્ય શાળા પરિસરમાં રૂ. ૧ કરોડ ૬૬ લાખના ખર્ચે નિર્માણ થયેલી શાળાના નવા મકાનનું મંત્રીએ રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. શાળાના આ નવા બિલ્ડિંગમાં કુલ ૯ ઓરડામાં હવેથી બાળકો અભ્યાસ કરશે. મંત્રીએ આંગણવાડીના ભૂલકાઓનું સૌપ્રથમ નામાંકન કરાવ્યું હતું. આ વેળા તેમણે વ્હાલથી ભૂલકાઓને ઉંચકી લઈ મધુર સંવાદ કર્યો હતો. ત્યારબાદ ધો.૧ ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ત્રણેય શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, બેટી બચાઓ, બેટી પઢાવો, કન્યા કેળવણી અને યોગના મહત્વ અંગેના વિષય પર વક્તવ્ય આપ્યું હતું. જેની મંત્રીએ પ્રસંશા કરી બાળકો શિક્ષણ મેળવી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ૧૦૦ ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓના વાલી અને સરકારની વિવિધ યોજના હેઠળ પરીક્ષાના મેરીટમાં આવી સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કન્યાઓને વિદ્યા લક્ષ્મી બોન્ડનું પણ વિતરણ કરાયુ હતું. બાળકોએ સુરમય સંગીત સાથે મધુરકંઠે સ્તુતિ રજૂ કરી હતી. મહાનુભાવોનું સ્વાગત પુસ્તકોની ભેટ સાથે કરવામાં આવ્યું હતું. મંત્રીએ શાળા પરિસર અને કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ એસએમસીના સભ્યો સાથે બેઠક કરી વિદ્યાર્થીઓ અને શાળાના વિકાસ માટે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન પટેલ, ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, ખાણ અને ખનીજ ઉદ્યોગ વિભાગના ઉપસચિવ નિલેશભાઈ મોદી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજે ટંડેલ, પારડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, ગ્રામ પંચાયતોના સભ્યો, એસએમસીના અધ્યક્ષ- સભ્યો, શિક્ષણવિદો, વાલીઓ, પરિયા વિભાગ કેળવણી મંડળના સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું. સ્વાગત પ્રવચન અને આભારવિધિ ત્રણેય શાળાના આચાર્યો અને શિક્ષકે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande