સિયોલ, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). દક્ષિણ કોરિયાએ, પાંચ વર્ષ માટે તેના આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરી છે. મતદારોએ લી જે-મ્યોંગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં માર્શલ લોની વિવાદાસ્પદ ઘોષણા પર થયેલા હોબાળા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં લી જે-મ્યોંગને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ દક્ષિણ કોરિયાની ઉદારવાદી ડેમોક્રેટિક પાર્ટી (ડીપીકે) ના નેતા છે.
ધ કોરિયા ટાઈમ્સ અખબારના સમાચાર મુજબ, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગે, બુધવારે સવારે 6:21 વાગ્યે તેમનો ઔપચારિક કાર્યકાળ શરૂ કર્યો. રાષ્ટ્રીય ચૂંટણી પંચે તેમની જીતની પુષ્ટિ કરતાની સાથે જ તેમને રાષ્ટ્રપતિ તરીકેની તમામ સત્તાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવી. તેઓ દેશના સશસ્ત્ર દળોની કમાન પણ સંભાળશે.
મંગળવારે દક્ષિણ કોરિયામાં યોજાયેલી પેટાચૂંટણીમાં લીને 49.42 ટકા મત મળ્યા. અગ્રણી રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીના કિમ મૂન-સૂ ને 41.15 ટકા અને રિફોર્મ પાર્ટીના લી જુન-સીઓકને 8.34 ટકા મત મળ્યા. તેમના પહેલા ભાષણમાં, લી જે-મ્યોંગે અર્થતંત્રને પુનર્જીવિત કરવા, લોકશાહીને સ્થિર કરવા અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો.
જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ, આજે તેમને લશ્કરી કમાન સોંપશે. ત્યારબાદ લી સિયોલ રાષ્ટ્રીય કબ્રસ્તાનની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તેઓ સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય સભામાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. સમારોહમાં લગભગ 300 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. મહેમાનોની યાદીમાં મુખ્ય રાજ્ય સંસ્થાઓ, વિધાનસભા, સુપ્રીમ કોર્ટ, બંધારણીય અદાલત અને ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ તેમજ કાયદા નિર્માતાઓ, પક્ષ અને ધાર્મિક નેતાઓ, મંત્રીમંડળના સભ્યો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તેઓ આજે બપોરે ફોન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ