પાટણ, 9 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ પૈકી 310 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે અને 70 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. છેલ્લા પાંચ દિવસમાં સરપંચ પદ માટે 560 અને સભ્ય પદ માટે 825 ફોર્મ ભરાયા છે. આજે અંતિમ દિવસ હોવાથી પાટણ મામલતદાર કચેરી ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણી બિનરાજકીય ધોરણે યોજાય છે, પણ અંદરખાને રાજકીય પક્ષોની ભૂમિકા રહેતી હોય છે. રાજ્ય સરકારની સમરસ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. સામાન્ય અને પેટા બંને પ્રકારની ચૂંટણીઓમાં ઉમેદવારો તેમના ટેકેદારો સાથે તાલુકા પંચાયત કચેરીમાં હાજર રહી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આજે અંતિમ દિવસ હોવાથી વધુ ફોર્મ ભરાયા છે.
સંડેર ગામની સરપંચપદની ચૂંટણી માટે નિવૃત્ત નાયબ મામલતદાર ખેમચંદભાઈ વરુભાઈ શ્રીમાળીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી ઉત્કર્ષ મહા મંડળના પૂર્વ હોદ્દેદાર અને ગુરુ બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચુક્યા છે. તેમજ પાટણ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપી ચૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર