ગીર સોમનાથ, 1 જુલાઈ (હિ.સ.) સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવે છે.
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અરજદારોએ કલેક્ટર સમક્ષ પ્લોટ બાંધકામ શરતભંગ, સરકારી જમીનમાં કરેલા દબાણ દૂર કરવા બાબત, સી.સી.રોડનું દબાણ દૂર કરવા બાબત, નવી ખેતીવાડી વીજ જોડાણ, સંપાદિત થયેલી જમીનમાં કુવાનું વળતર મેળવવા, ડોળાસા ગામે નેશનલ હાઈવેના રોડમાં કપાત જમીનમાં જવાના રસ્તા અને પાણીના નિકાલ, ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી ગંદા પાણીના નિકાલ બાબત જેવા પ્રશ્નો રજૂ કર્યાં હતાં.
કલેક્ટરએ સૌહાર્દપૂર્વક સંવાદ કરતાં અરજદારોની તમામ રજૂઆતો ધ્યાને લીધી હતી અને પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કક્ષાએથી સત્વરે નિકાલ કરવાની સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત રજૂ થયેલા પ્રશ્નોના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ