નેશનલ ડૉક્ટર્સ ડે: ગુજરાત સરકારની, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી દીકરીઓ માટે આશીર્વાદરૂપ
ગાંધીનગર, 1 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તિકરણ મહત્વપૂર્ણ છે’. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સરકારે એક સમાવેશી અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ (વીમેન લેડ ડ
પ્રતિભાબેન ચૌહાણ


ગાંધીનગર, 1 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તિકરણ મહત્વપૂર્ણ છે’. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સરકારે એક સમાવેશી અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ (વીમેન લેડ ડેવલપમેન્ટ) માટે ઘણા નક્કર પગલાં લીધાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેઓએ દર્શાવેલા પથ પર આગળ વધતા રાજ્યમાં તમામ માટે અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવાના પ્રયાસ કર્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મહિલાઓ પણ મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે અને બાહોશ ડોક્ટર બનીને આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે.

મેડિકલ (MBBS) ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતી ગુજરાતની દીકરીઓનું તબીબી શિક્ષણ આર્થિક મુશ્કેલીઓને લીધે અટકે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના' (MKKN) અમલી બનાવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યમાં અસંખ્ય મહત્વાકાંક્ષી 'વ્હાઈટ-કોટ' મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના સપનાંને સાકાર કરી રહી છે.

MKKN યોજના અંતર્ગત 25,768 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹772 કરોડની સહાય

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 25,768 વિદ્યાર્થિનીઓને ડૉક્ટર બનવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2024-25 માટે આ યોજના હેઠળ 4500 વિદ્યાર્થિનીઓને 150 કરોડની સહાયનો લક્ષ્યાંક હતો, જેની સામે 5155 વિદ્યાર્થિનીઓને ₹162.69 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વર્ષ 2017-18માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ, ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ માટે 50% પ્રવેશ ફી રાજ્ય દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે, જેઓ તેમના NEET સ્કોરના આધારે MBBSમાં પ્રવેશ મેળવે છે, અને આ સહાય માટે તેમના કોમ્યુનિટી બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેવામાં આવતું નથી.

‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાને કારણે જ મેડિકલમાં એડમિશન લેવાની હિંમત થઈ’

અમદાવાદના મણિનગર સ્થિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનું શિક્ષણ પૂર્ણ કરીને ડૉક્ટર બનેલા મૂળ જામનગરના રહેવાસી પ્રતિભાબેન ચૌહાણ જણાવે છે કે, “એમબીબીએસ કરવા માટે પ્રાઇવેટ કોલેજોની ફી ભરવી સામાન્ય આર્થિક સ્થિતિના પરિવારો માટે મુશ્કેલ હોય છે, એટલે સારા માર્ક્સ અને સારી કોલેજમાં મેરિટમાં નામ હોવા છતાં એડમિશન લેવામાં મન પાછું પડે. પણ કેટલાક સિનિયર ડૉક્ટર્સ થકી મને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંગે જાણકારી મળી અને મેં અરજી કરી દીધી. આ યોજનાના કારણે જ ખાનગી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાની હિંમત થઈ, અને આર્થિક રીતે અમને ખૂબ ફાયદો થયો. સાડા ચાર વર્ષોના મારા એમબીબીએસના શિક્ષણ દરમિયાન મને રાજ્ય સરકાર તરફથી કુલ ₹25,48,000ની સહાય મળી છે. આજે હું મારા ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરી શકી છું, અને હવે પીજીની તૈયારી કરી રહી છું. હું અને મારો પરિવાર આ માટે ગુજરાત સરકારના ખૂબ જ આભારી છીએ.”

પ્રતિભાબેન જેવી રાજ્યની અનેક પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થિનીઓનું ડૉક્ટર બનવાનું સપનું આજે રાજ્ય સરકારની આ યોજનાને કારણે પૂરું થઈ રહ્યું છે. દેશના વિકાસ માટે દીકરીઓ શિક્ષિત અને કાબેલ હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત તે દિશામાં પ્રયાસરત છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande