ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : વડોદરા-આણંદને જોડતો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડતાં ગંભીર દુર્ઘટના બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકારે કડક કાર્યવાહી આરંભી છે. સાથે સાથે કચ્છ જિલ્લાનું તંત્ર પણ આ દુર્ઘટના બાદ હરકતમાં આવ્યું છે અને જર્જરિત સ્થિતિમાં મુકાયેલા બે પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. આગામી સમયમાં જિલ્લાના અન્ય જર્જરિત પુલોને પણ આવરી લેવાય તેવી શક્યતા દેખાડવામાં આવી છે.
જિલ્લાના પુલો ચકાસવાની વહીવટી તંત્રે આપી સૂચના
ગંભીરા પુલ દુર્ઘટના બાદ કલેક્ટર આનંદ પટેલે કચ્છમાં પણ પુલોની સજ્જતા ચકાસવા માર્ગ-મકાન વિભાગને આદેશ કર્યો હતો, જે અનુસંધાને મુંદરાના બાબિયા-બરાયા અને લખપતના કોટેશ્વર રસ્તે આવેલા કનોજ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું હતું બંને માર્ગ પરથી ભારે વાહનોની અવર-જવર માટે અન્ય વૈકલ્પિક રસ્તા પણ આપવામાં આવ્યા છે.
મુંદરા બાબિયા બ્રિજનો વૈકલ્પિક રસ્તો જાહેર
મુંદરાના બાબિયા બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર તત્કાળ અસરથી પ્રતિબંધ મુકાયો છે. મુંદરામાં વૈકલ્પિક રસ્તા તરીકે ભુજ-માંડવી રસ્તા પર સુખપર ત્રણ રસ્તાથી ધુણઇથી કોડાય પુલથી પ્રાગપર ચોકડીવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.
લખપત તાલુકામાં પણ રસ્તાઓમાં પરિવર્તન
લખપતમાં વૈકલ્પિક રસ્તા તરીકે પાનધ્રો-વર્માનગર તરફથી લખપત ત્રણ રસ્તા થઇ નારાયણસરોવર બાજુ આવતાં ભારે વાહનો વર્માનગર, સોનલનગર, બાલાપર, નરેડી-ગોધાતડ ફાટક, કાટિયા, બુદ્ધા માર્ગથી નલિયા-નરાયણસરોવર નેશનલ હાઇવે મારફતેથી નલિયા-નારાયણ સરોવર રસ્તા પરથી અવર-જવર કરી શકશે. માતાના મઢ-દયાપર તરફથી આવતાં ભારે વાહનો દોલતપર ત્રણ રસ્તાથી બરંદા થઇ નલિયા-નારાયણસરોવર નેશનલ હાઇવે પરથી અવર-જવર કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA