ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને, ઉના તાલુકાના વાવરડી ગામે રાત્રીસભા યોજાઇ હતી. આ રાત્રીસભામાં કલેકટરએ ગ્રામજનો સાથે સંવાદ સાધી અને ગ્રામજનોને પડતી સામૂહિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ ઉકેલવા હૈયાધારણા આપી હતી.
ગ્રામજનોએ ગામને જોડતા રસ્તા, સ્કૂલમાં પ્રાર્થનાખંડ મોટો કરવા અંગે, ગામમાં આર.ઓ.પ્લાન્ટ થકી પીવાનું શુદ્ધ પાણી, આંગણવાડીની કમ્પાઉન્ડ વૉલ બનાવવા, આધારકાર્ડમાં સુધારા-વધારાઓ, સ્કૂલમાં કમ્પ્યૂટરની ગ્રાન્ટ વપરાશ અને ઉપયોગ, ખેતર-વાડીમાં જતાં રસ્તા ખુલ્લાં કરવાં સહિતના સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં કલેક્ટરએ ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી અને સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરી અને સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા સૂચનો કર્યા હતાં. રાત્રીસભા દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરવામાં આવ્યાં હતાં.
આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર સહિત જિલ્લા અને તાલુકા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ