સુરત, 12 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આજે સવારે એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની ST બસે અચાનક કાબૂ ગુમાવતાં રસ્તા પર ચાલી રહેલા નાના વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં આશરે 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
આ ઘટના બાદ બસનો ડ્રાઈવર સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. સ્થાનિકો એટલા ગુસ્સે ભરાયા કે ડ્રાઈવરને મેથીપાક ચખાડી દીધો. જો કે ડ્રાઈવરે દલીલ આપી કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે બસ કાબૂ બહાર ગઈ.
ઘટનાની જાણ થતા પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તંત્રે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને રોડ પર થેલેલા ટ્રાફિક જામને નિયંત્રણમાં લેવાયો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે