ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) : પ્રભાસ પાટણ સોમનાથ, આજ રોજ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ તથા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા હર ઘર હરિયાળી અભિયાન અંતર્ગત પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે આવેલ રામ રાખ ચોકમાં 500 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્લાસ્ટિક મુક્તી તરફના એક પગલાની રૂપે સ્થાનિક નાગરિકોને કપડાની થેલીઓ પણ આપવામાં આવી. સ્થાનિક રહીશો તરફથી અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં લોકોએ આ પહેલમાં જોડાઈને વેરાવળ-સોમનાથને વધુ હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
હર ઘર હરિયાળી અભિયાનની શરૂઆત ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા 5 જૂન 2025, એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કરવામાં આવી હતી. ત્યારથી દર શનિવારે વેરાવળ-સોમનાથના વિવિધ વિસ્તારોમાં 500 જેટલા છોડ તથા કપડાની થેલીઓનું વિતરણ સતત કરવામાં આવી રહ્યું છે.
આજના કાર્યક્રમમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જયદેવભાઈ જાની, ઇન્ડિયન રેયોનના પ્રતિનિધિઓ તેમજ ચૌક્સી કોલેજ, વેરાવળના એન.એસ.એસ. કેડર્સે પણ ઉપસ્થિતિ નોંધાવી સેવા આપી હતી. ઉપરાંત, સ્થાનિક આગેવાનો તથા નાગરિકોની વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. મહિલાઓ, યુવાનો અને રાહદારી નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી શશાંક પરીખના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો.
આ પ્રકારની પહેલો વેરાવળને વધુ હરિયાળું, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ યોગદાન પુરું પાડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ