ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદીની ખાસ સુધારણા થવાની છે ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મતદાન મથક અંગેની કામગીરી શરૂ કરાઇ છે. આ માટે મતદાન મથકોની યાદી લોકોને જોવા મળશે તેવી સૂચના જારી કરવામાં આવી છે.
1200 મતદારની રહેશે મર્યાદા
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેકટર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ મતદાન મથકોનું પુન:ગઠન કરવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના મુજબ ગ્રામીણ અને શહેરી ભાગોમાં 1200 મતદારોની મર્યાદામાં મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી તૈયાર કરવામાં આવી છે. આ સુધારા યાદી મતદાન મથક ઉપરાંત ગ્રામ પંચાયત, નગરપાલિકા, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તથા કલેકટર કચેરીની ચૂંટણી શાખામાં જોઇ શકાશે.
21મી જુલાઇ સુધી વાંધા કે સૂચનો આપવા
પ્રાથમિક યાદી માટે જો કોઇ વાંધા સૂચનો હશે તો 21મી જુલાઇ સુધી આપી શકાશે તેમ જણાવાયું છે. લેખિતમાં અરજદારોએ તેમના વાંધા કે સૂચનો આપવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA