પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણની સેશન્સ કોર્ટે સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર કલ્પેશ આચાર્યની જામીન અરજી નામંજૂર કરી છે. કલ્પેશ આચાર્ય (ઉમર 61), શૈલજા બંગ્લોઝ, અંબાજી નેળીયું, પાટણના રહેવાસી છે. પોલીસે 8 જૂનના રોજ તેમની ધરપકડ કરી હતી અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
આ કેસમાં કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અત્યાર સુધી રવિ પ્રજાપતિ (4 એપ્રિલ), પ્રકાશ પંચાલ (9 એપ્રિલ), વિનોદ ગઢવી (20 એપ્રિલ) અને કલ્પેશ આચાર્ય સહિત ચારની ધરપકડ થઈ છે. હાલ રાજદાન ગઢવી, મહાદેવ યોગી અને આશિષ સાહનીની ધરપકડ બાકી છે, જયારે પૂરતા પુરાવા ન મળતા રાજેશ સોલંકી અને પી.ડી. જાદવ વિરુદ્ધ 'સી' સમરી દાખલ કરાઈ છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ આરોપીઓએ સરકારી નોકરીની લાલચ આપી 12થી વધુ નોકરી ઈચ્છુકો પાસેથી 40 લાખથી વધુની રકમ પડાવી છે. ખોટાં જોઈનિંગ લેટરો આપી લોકો સાથે છેતરપિંડી કરાઈ હતી. કલ્પેશ આચાર્યે પોતાની ઓળખ સરકારી કર્મચારી તરીકે આપી વિશ્વાસ જીત્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર