ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) આજરોજ ભાવનગર ખાતે શ્રી સિંધિ જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા આયોજિત “બ્રાઈટ સ્ટુડન્ટ્સ સન્માન સમારોહ 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ ૧થી ૮ સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અને કુશળતાને માન્યતા આપતો આ કાર્યક્રમ ખૂબજ ઉત્સાહભેર યોજાયો.
આ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિઓ તરીકે મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ, પંચાયત પ્રમુખ શ્રી કનુભાઈ છગનાણી, નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, નગરસેવક શ્રી દિલીપભાઈ જોબનપુત્રા અને યુવા પ્રમુખ શ્રી મનીષભાઈ અડવાણી સહિત સંસ્થાના અગ્રણીઓ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યા વિશે પ્રેરણાત્મક સંબોધનો સાથે બાળકોના આત્મવિશ્વાસને બળ મળ્યું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વધુ ને વધુ સફળતા માટે પ્રેરણા જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek