પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં લોકસંસ્કૃતિના જતન માટે પરંપરાગત લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને “કંકુ છાંટીને લખજો કંકોતરી”, “પરથમ શ્રી ગણેશ બેસાડો રે” જેવા લોકગીતો એકલ, જોડી અને જૂથગાન રૂપે રજૂ કરીને પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી.
શાળાના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના સંગીત શિક્ષકો અને સ્થાનિક કલાકારોએ ગાયન, શૈલી અને રજૂઆતના ધોરણે વિજેતાઓની પસંદગી કરી. નિવૃત્ત સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીએ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓના પ્રયાસોને ખૂબ સરાહ્યા.
વિજેતાઓને પ્રમાણપત્રો અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ શાળાના સાંસ્કૃતિક કેલેન્ડરનો ભાગ હતો અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી લોકસંસ્કૃતિનું સંરક્ષણ કરવું તથા વિદ્યાર્થિનીઓમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ કરવો હતો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે અને તેમની અંદરની પ્રતિભાને નોખી ઓળખ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર