પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પવિત્ર ચાતુર્માસના પ્રારંભમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા.11-07-2025 થી શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પર દસ દિવસીય આઠમી અને અંતિમ પ્રવચનમાળાનો પ્રારંભ થયો છે. આ અગાઉ સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રીના મુખેથી શ્રીવિષ્ણુસહસ્ત્રનામ પર સાત પ્રવચનમાળાનું આયોજન થયેલ હતુ. જેમાં અત્યાર સુધી શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ઉપર રચિત શાંકરભાષ્ય અને અન્ય ગ્રન્થોના આધારે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિ ભગવાનના સહસ્ર નામ અંતર્ગત 846 નામોનો વિસ્તૃત અને શાસ્ત્રીય વ્યાખ્યા કરીને પરિચય કરાવ્યો હતો.તા. 11-07-2025, શુક્રવારે શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ અને મુખ્ય યજમાન દ્વારા પોથીપૂજન સાથે આઠમી અને અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ થયો હતો. પૂજ્ય ભાઈશ્રીએ શ્રીવિષ્ણુ સહસ્રનામના શ્લોક ક્રમાંક 104 પરના શ્રીવિષ્ણુ ભગવાનના એક હજાર નામ પૈકી 847મા નામ ભારભૃત્ ની વ્યાખ્યા સાથે પ્રવચનનો પ્રારંભ કર્યો હતો. તા.20-07-25 સુધી સાંદીપનિના સભાગૃહમાં આયોજિત આ દસ દિવસીય પ્રવચનમાળાનો સમય પ્રતિદિન બપોર પછી 4:00થી 6:30 સુધી રહેશે. જેનું લાઈવ પ્રસારણ sandipani.tv પર થશે. પૂજ્ય ભાઈશ્રીના મુખેથી શ્રીવિષ્ણુ સહસ્રનામસ્તોત્રના પ્રવચન શ્રવણનો આપણા સૌ માટે અમૂલ્ય અવસર હોય, આપ સૌ ભાવિકોને પ્રવચન સાંભળવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya