ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ભુજના ભીડનાકા પાસે આવેલી લીલા ઘાસચારાની માર્કેટ પાસે જ નગરપાલિકા દ્વારા ખોદાયેલા નાળામાં સિમેન્ટ કોંક્રેટ કરાયું છે, પણ ત્યાં નાખવામાં આવતો ચારો અને ગૌવંશમાં છાણ અને મુત્ર તેમજ નાળામાંથી વહેતાં ગંદા પાણી ભરાતા ગંદકી ફેલાય છે. આવી સ્થિતિમાં ગૌવંશની સ્થિતિ દયનીય થાય છે. તેથી લોકો કહે છે કે ચારો નાખીને પુણ્યના બદલે પાપનું કાર્ય કરાતું હોય એમ લાગે છે.
વર્ષના છ મહિના આવી જ સ્થિતિ
વર્ષો જૂની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી. ગંદકી વચ્ચે ગાયો ચારો ચરતી હોય છે અને ત્યાં આસપાસ પણ ગંદકી ફેલાય છે. બાર મહિનામાંથી છ મહિના કાદવ કીચડથી આ વિસ્તાર ભરાયેલો રહે છે. 200 બાય 100 ફૂટના નાળાંમાં ઊભતાં ગૌવંશને જીવદયા પ્રેમીઓ દ્વારા પોતાના ઘેર આવતાં શુભ પ્રસંગો દરમિયાન લીલા ચારાનું નીરણ કાર્ય વરસોથી થઈ રહ્યું છે, પરંતુ અનિયમિત સફાઈના કારણે કાયમી આ વિસ્તાર ગંદકીથી લતબદ જોવા મળે છે.
ઘાસાચારા માર્કેટનું નિયત જગ્યાએ કરો સ્થળાંતર
કેટલાક વેપારીઓએ આ ઘાસાચારા માર્કેટને નગરપાલિકા દ્વારા ભુજના નવાં રેલવે સ્ટેશનની સામે આવેલી ભુજ પાંજરાપોળની જમીન ઉપર સ્થળાંતર અથવા ખારસરા મેદાન પાસે સ્થળાંતર થાય તેવી રજૂઆત કરી હતી. છતનું આવરણ અને ચારે બાજુ પાકી કમ્પાઉન્ડ વોલ અને ગેટ નાખવામાં આવે, તો ગૌવંશને કીચડ કાદવમાં ઊભવાના પ્રશ્નનું સમાધાન થઈ શકે છે.
500 માલિકોના પશુઓ ચરવા આવે છે
ભુજની ઘાસચારા માર્કેટમાં અત્યારે ભીડનાકા, સરપટનાકા, સુરલભીટ, લખુરાઈ ચોકડી સહિતના વિસ્તારમાંથી 400થી 500 પશુમાલિકોના પશુઓ નીરણ કરવા આવે છે. તેવું સુકા ઘાસચારાના વેપારીએ જણાવ્યું હતું. તેમણે અહીંના પુલિયામાંથી નીકળતાં મીઠાપાણી પણ આ જ નાળામાં જતાં હોવાનું કહ્યું હતું. હનુમાન મંદિરથી લઈને નાકા સુધી ચારે બાજુ ઊભતાં પશુઓના કારણે અહીં નીકળવું વિકટ બન્યું છે.
કેટલાક લોકો નિયમિત નીરણકાર્યમાં સામેલ
કેટલાક વેપારીઓ ગાયોને અહીં નિયમિત નીરણ આપે છે, પણ ચારો કેવી રીતે ગૌમાતાને ખવડાવવો તે સવાલ છે. વટેમાર્ગુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરે છે, તો રેલવે સ્ટેશનના પ્રવાસીઓ પણ નીરણ કાર્યમાં જોડાતા જોવા મળી રહ્યા છે. પણ ક્યારેક લાગે કે પુણ્યના બદલે પાપ થઇ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA