-દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર મહી નદી ઉપર નવો પૂલ ૧૮ માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રીયાનો તાબડતોડ આરંભ
ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.
એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની મંજૂરી આપી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી ૭ મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૨૧૨ કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ