પાટણ, 13 જુલાઈ (હિ.સ.) ; નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું વિધિપૂર્વક પૂજન કર્યું અને તેમના પ્રત્યે પ્રેમ તથા કૃતજ્ઞતા વ્યક્ત કરી. આજની વ્યસ્ત જીવનશૈલીમાં જ્યારે માતા-પિતા અને બાળકો વચ્ચેનો સમય ઘટતો જાય છે, ત્યારે આવા કાર્યક્રમો પારિવારિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
કાર્યક્રમમાં શાળાના શાસ્ત્રી મનુભાઈ જોશી, સંચાલક જયરાજસિંહ નાડોદા અને આચાર્ય કલ્પેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી મનુભાઈ જોશીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર અને પરિવાર પ્રત્યેનો આદરભાવ વિકસે છે, જે તેમની વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષકવૃંદે સંપૂર્ણ સમર્પણથી પ્રયત્નો કર્યા. વાલીઓએ શાળાની આ અનોખી પહેલને હાર્દિક બિરદાવી હતી અને જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકના મનમાં સંસ્કારનું સિંચન કરે છે. આ કાર્યક્રમ મૂલ્ય આધારિત શિક્ષણ અને સંસ્કારોના જતન માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર