પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ નજીક આવેલા કુણઘેર ગામના બસ સ્ટેશન પાસે મોડી સાંજના સમયે એક દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પાછળથી એક્ટિવાને ટક્કર મારતા સવાર ભવાનજી રાજપૂત રોડ પર પટકાયા હતા અને પછી ટ્રકના ટાયર તેમના પર ફરી વળ્યા હતા. 45 વર્ષીય ભવાનજી રાજપૂતનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવીને ભવાનજીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તેઓ પહેલેથી જ અવસાન પામી ચૂક્યા હતા. દુર્ઘટનાની સાથે જ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેની શોધ શરૂ કરવામાં આવી છે.
મૃતક ભવાનજી રાજપૂત ખેતી કરતા હતા અને તેમના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પાછળ બે બાળકો છે, જે પિતાવિહોણા બન્યા છે. આખા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે અને પ્રવિણસિંહ ભુરાજી ચેહરાજી રાજપૂતે પાટણ તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર