સુરત, 13 જુલાઈ (હિ.સ.)- સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે અવારનવાર નોટિસ આપવા છતાં નિયમોનું પાલન નહીં કરનાર શહેરની વધુ 4 હોસ્પિટલને ફાયરબ્રિગેડે નોટિસ આપવામાં આવી હતી. હોસ્પિટલમાં લાગતી આગના કારણે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. ફાયર બ્રિગેડે અવારનવાર શહેરની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેની નોટિસો આપવામાં આવે છે. તેમ છતાંય હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. જેથી શનિવારે ફાયર વિભાગ દ્વારા આ 4 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી.
સુરત ફાયર વિભાગે ફાયર સેફ્ટી નિયમોનું પાલન ન કરતી આ ચાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા વિસ્તારોમાં આવેલી આ હોસ્પિટલ્સને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ (પાંડેસરા), કવિતા પ્રસૂતિગૃહ અને જનરલ હોસ્પિટલ (પાંડેસરા), એડ્વાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ (અલથાણ)નો ચોથો માળ, અને ઉન મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ (ઉન પાટિયા)ના બીજા માળને ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યો છે. કારણ કે, આ હોસ્પિટલોએ ફાયર સેફ્ટીનાં સાધનો અને પ્રમાણપત્રોની જોગવાઈમાં બેદરકારી દાખવી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય અને ફાયર સેફ્ટી નિયમોનું પાલન ફરજિયાત છે. ભવિષ્યમાં પણ આવી બેદરકારી દાખવતી હોસ્પિટલ્સ સામે કડક પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે