ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી સીઈટી (CET) પરીક્ષાના અમલને કારણે સરકારી શાળાઓ પર પડતા વ્યાપક પ્રભાવોને લઈ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજ રોજ પ્રાચી ખાતે યોજાયેલી એક વિશેષ બેઠકમાં જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનો – જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તથા એચ-ટાટ આચાર્ય સંઘ સામેલ રહ્યા હતા તથા સીઈટી અંગે ચિંતન અને સંવેદનાત્મક ચર્ચા યોજી.આ બેઠકમાં ૩૦૦ થી વધુ શિક્ષકો સ્વયંભૂ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વસામાન્ય રીતે CET ના કારણે શાળા તેમજ શિક્ષકોની દયનિય હાલત અને ભવિષ્ય અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે જણાવ્યુ કે:
• સીઈટીના કારણે સરકારી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓનો આયોજનબધ્ધ રીતે થતો ખાનગી શાળામાં પ્રવેશ.
• સંખ્યા ઓછી થવાના કારણે સરકારી શાળાઓ ખાલી પડી રહી છે અને શાળામાં 6 થી 8ની શાળાઓ બંધ થવાની કગારે છે,
•શાળા મર્જ,
• નાના ગામડાઓમાં શાળામાં ઓછી સંખ્યા અને એમાં પણ 20-30 ટકા બાળકોનું CET ના કારણે ખાનગીશાળામાં જવું.
• શિક્ષકોની ઓવરસેટઅપ,
• નવી ભરતી બંધ થવી જેવી સમસ્યાઓ વિષે ઉલ્લેખ થયો.
બેઠકમાં ઉપસ્થિત તમામ શિક્ષકોએ સંગઠનોને તેમજ રાજ્ય સરકાર સમક્ષ આ મુદ્દાઓની રજૂઆત કરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને એ બાબત ઉપર ભાર મુક્યો કે જો સરકાર દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો શિક્ષક વર્ગ શાળા બચાવવા આંદોલનના માર્ગે ઉતરવાનો નિર્ણય લેશે.આ બેઠકનો ઉદ્દેશ માત્ર વિરોધ નહીં વિરોધની સાથે પણ સંવાદ અને સમસ્યાનું નિવારણ શોધવાનો હતો. ઉપસ્થિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓએ આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ