પાટણ, 13 જુલાઈ (હિ.સ.)રાધનપુરના નાલંદા વિદ્યાલયમાં અષાઢ સુદ પૂનમે ગુરુપૂર્ણિમાની ઉજવણી ઊજવાઈ હતી. કાર્યક્રમની શરૂઆત માતૃ-પિતૃ વંદનાથી કરવામાં આવી. અતિથિઓ અને નવનિયુક્ત શિક્ષકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કર્યું અને તેમનો પરિચય આપ્યો.
વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાવપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યા અને શિક્ષક રવિરાજ ગઢવીએ પણ પોતાના વિચારો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય સીમા જાગરણ સમિતિના મહામંત્રી જીવણભાઈ આહીરે ગુરુપૂર્ણિમાનું મહત્વ તથા ભારતીય સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી.
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકો માટે પોસ્ટકાર્ડ લખી શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમનું સંચાલન માનસી પંચાલે કર્યું અને અંતે શિક્ષક વિપુલભાઈ પટેલે આભારવિધિ રજૂ કરી. સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર