ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.)રાજ્યમાં ચાલુ સીઝનમાં 49.03 ટકા વરસાદ નોંધાયો છે. જુલાઇ માસની મધ્યમાં આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ 58.44 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 52.94 ટકા, સૌરાષ્ટ્રમાં 48.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 44.35 ટકા વરસાદ પડ્યો છે.
કચ્છના પાડોશી જિલ્લામાં પણ વધુ વરસાદ
છેલ્લા 24 કલાકના જારી થયેલા આંકડા મુજબ, 121 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જોકે, આ દરમિયાન કચ્છમાં ઝરમરથી હળવા ઝાપટા જ પડ્યા હતા પણ માહોલ યથાવત રહ્યો હતો. પાડોશી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વરસાદ વરસ્યો હતો. જેમાં દાંતીવાડામાં 6.3 ઈંચ, પાલનપુરમાં 4.6 ઈંચ અને ડીસામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
99 તાલુકામાં 1 ઈંચથી ઓછો
પાલીતાણામાં 2.87 ઈંચ, વડગામમાં 2.5, ઉનામાં 2.20, ધ્રાંગધ્રામાં 2, કપરાડામાં 1.89 અને ગઢડામાં પણ 1.89 ઈંચ વરસાદ વરસ્યો હતો. બે તાલુકામાં 4 ઈંચથી વધારે, એક તાલુકામાં 3 ઈંચથી વધારે, પાંચ તાલુકામાં 2 ઈંચથી વધારે, 14 તાલુકામાં 1 ઈંચથી વધારે અને 99 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
આજે ઉત્તર ગુજરાત સહિતના ભાગો માટે આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા પશ્ચિમી વિક્ષોની વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ થંડર સ્ટોર્મની પણ થશે. 13 જુલાઈના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA