ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) વૃંદાવનમાં શ્રીકાર વરસાદ થતો ત્યારે વનરાજજી સારી રીતે પાંગરતાની સાથે ત્યાંના હરિભકતોએ ભગવાન શ્રીકૃષ્ણને વન વગડાએ આંબાની ડાળે હિંડોળો બનાવીને ઝુલાવાયા હતા. આ પરંપરા આજે પણ મંદિરોમાં જોવા મળી રહી છે. સ્વામિનારાયણ ભગવાનના દેશ-વિદેશોમાં જે મંદિરો સાથે કચ્છના ભુજ અને પટેલ ચોવીસીનાં ગામડાંઓમાં પણ હિંડોળાને લઈને આગવી તૈયારીઓ કરવામાં આવી છે અને હિંડોળા ઉત્સવ શરૂ થયો છે.
10મી ઓગસ્ટ સુધી ઝુલશે ભગવાન
કચ્છના સ્વામિનારાયણ સત્સંગમાં હિંડોળા એ મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર હોતાં તેમાં અધિક હિંડોળા, હિમાલય જેવું પ્રદર્શન સહિત બીજું કંઈક અવનવું સર્જન કરવામાં આવતું હોય છે. હિંડોળા ઉત્સવનો ભુજ, અંજાર, માંડવી, રાપર અને પ્રસાદી મંદિર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હિંડોળા ઉત્સવ એક મહિના સુધી એટલે કે તા. 10/8 સુધી ચાલશે.
વિશેષ કૃતિઓ સાથે ઠાકોરજીના હિંડોળા સજાવાશે
મુખ્ય મંદિરોમાં તો વિશેષ ધાર્મિક સ્થળોની કૃતિઓ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવશે. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત્ જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સંત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, વરિષ્ઠ સંતો દેવકૃષ્ણદાસજી, બાલકૃષ્ણદાસજી, માધવપ્રસાદ-દાસજી, ગૌલકવિહારીદાસજી, વિશ્વપ્રકાશદાસજી, કેશવજીવન-દાસજી વિગેરે સંતોનાં આશીર્વાદ, કાર્યકર્તા સંતોની મહેનત અને સાથે સ્થાનિક નરનારાયણ દેવ યુવક મંડળના યુવાનો-યુવતીઓ સાથે સાંખ્યયોગી, કર્મયોગી બહેનો હરિભક્તોની સેવા મળતી હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA