પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : આગામી સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરમાં કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જે સંદર્ભે આયોજન અને તૈયારી માટે આજે કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
15 મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત, 14 અને 15 મી ઓગસ્ટ ના વિવિધ કાર્યક્રમો જેવા કે એટહોમ, શસ્ત્ર પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યક્તિ વિશેષ સન્માન, મુખ્ય ધ્વજવંદન સમારોહ અને અન્ય કાર્યક્રમો રાજ્યપાલ ,મુખ્યમંત્રી અને મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ અને જિલ્લાના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, પોલીસ અને પ્રોટોકોલ કામગીરી, વિવિધ પૂર્વ તૈયારીઓ, ટીમોનું ગઠન, રાજ્ય કક્ષાએ વિવિધ વિભાગો સાથે સંકલન સહિતના મુદ્દે સંબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને માર્ગદર્શન કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ લોકો વિવિધ કાર્યક્રમો સારી રીતે માણી શકે, તે માટે વિવિધ વ્યવસ્થાઓ જળવાય તે માટે જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યકક્ષાની આ ઉજવણીમાં જેમ જેમ માર્ગદર્શન અને સૂચનાઓ આવે તેમ આગળની તૈયારીઓ અને દરેક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર એચ. જે .પ્રજાપતિ, એસપી ભગીરથસિંહ જાડેજા, ડીઆરડીએ નિયામક રેખાબા સરવૈયા ,નાયબ કલેકટર રાજપુત, પ્રાંત અધિકારી સંદીપ જાદવ , નેહા સોજીત્રા, અને સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya