પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરમાં મહાનગરપાલિકા બન્યા પછી જુદા-જુદા પ્રકારના વેરાની સાથોસાથ મિલ્કતનામ ટ્રાન્સફર ફીમાં પણ અસહ્ય વધારો કર્યો હતો તથા લારી,ગલ્લા, રેકડી, કેબીનોના ધંધાર્થીઓ પાસેથી પણ અસહ્ય ભાડા વસુલાતા હતા. જેમાં લોકવિરોધ બાદ ઘટાડો કરવામાં આવ્યો છે. પોરબંદરના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યુ છે કે મિલ્કત નામ ટ્રાન્સફર ફી તેમજ લારી,ગલ્લાઓ, રેકડી, કેબીનોના માસિક દરો બાબતે અગાઉ વધારો કરતા નિર્ણયો કરવામાં આવેલા હતા. જે બાબતે શહેરની સ્થાનિક સંસ્થાઓ, વિવિધપક્ષો તથા જુદા -જુદા પ્રકારના લારી ગલ્લા તથા શાકમાર્કેટોના ધંધાર્થીઓની રજૂઆતો ધ્યાને લઇ ઘટાડો કરવા માટે સૈધ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે જેમાં મિલ્કત નામ ટ્રાન્સફર ફીમાં રહેણાંકના 0.50% માંથી 0.25% કરવામાં આવી છે અને બિન રહેણાંકમાં 1 % માંથી 0.50% કરવામાંઆવી છે.લારી, ગલ્લાઓ,રેકડી, કેબીનોમાં માસિક પાસના રૂા. 500 હતા તેમાંથી રૂા.400 કરવમાં આવ્યા છે. લારી, ગલ્લાઓ, રેકડી, કેબીનો(ટેબલ-ખુરશીવાળા)ના માસિક પાસના રૂા. 1000 માંથી રૂા. 800 કરવામાં આવ્યા છે. તો સીઝનલ ધંધાર્થીઓ અને ગુજરી બજારના દૈનિક રૂા.50 માંથી દૈનિક રૂા.30 કરવામાં આવ્યા છે.
ઉપરોકત મુજબના જુદા-જુદા ચાર્જીસ, દરોમાં ઘટાડો કરવામાં આવેલ છે અને તે મુજબ વસુલાત કરવામાં આવશે જેની ધંધાર્થીઓ અને પ્રજાજનોએ નોંધ લેવા જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya