પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી વરસાદ શરૂ થયો, જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતવર્ગમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હવે વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખેતીની કામગીરી શરૂ કરશે.
સાથે સાથે, વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. કેટલીક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર પાસેથી લોકો અસરકારક નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર