ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અબડાસા તાલુકામાં સતત વરસાદ બાદ વિંઝાણ ગામને જોડતો કોઝ વે બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણના લીધે રસ્તાને નુકસાન પણ થયું હતું. જોકે વહેતું વરસાદી પાણી બંધ થયા બાદ તેનું સમારકામ કરીને રસ્તા ઉપર વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો છે.
અંતરિયાળ રસ્તાઓનું સમારકામ ચાલુ
કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રીપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માંડવી, મુન્દ્રા સહિતના તાલુકાઓના અંતરિયાળ માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે દિવસથી વરસાદમાં રાહતના લીધે હંગામી કામગીરી કરીને રસ્તાઓને જોડાઇ રહ્યા છે જેથી ગ્રામીણ વાહન વ્યવહાર ચાલુ થઇ શકે.
કોઝ વે ઉપર માટી અને મેટલિંગ
વરસાદ બાદ વિંઝાણ વાડી વિસ્તારનો કોઝવે પાણીના ઓવરટોપિગના લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી હતી. કોઝવે ઉપર માટી અને મેટલિંગ વર્ક કરીને તેને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ કોઝવે પરથી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA