ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) ગુજરાત પોલીસના ડાયરેકટર જનરલ વિકાસ સહાય હજુ શુક્રવારે જ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને લોકોના પોલીસ વિરોધી સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોની રજૂઆતોની અસર હોય કે પોલીસની ધાક બેસાડતી કામગીરીની સાબિતિ હોય તેમ કચ્છ બહારથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલે માંડવી તાલુકાના પીપરીમાં જુગારનો મોટો દરોડો શનિવારે પાડ્યો હતો. જેમાં કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પીપરી ઉપરાંત ભુજ, માંડવીના 6 આરોપીઓ પકડાયા હતા અને 11 વોન્ટેડ છે. જુગાર નિવારણ અધિનિયમ કલમ-12 હેઠળ કાર્યવાહી કરાઇ છે.
ખેતરમાં ચાલતી કલબ ઉપર પોલીસ ત્રાટકી
મળતી સત્તાવાર વિગતો મુજબ, માંડવી તાલુકાના પીપરીની સીમની વાડીમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડી ત્રાટકી હતી. જખુ હાજાભાઈ સંઘારના ખેતર પાસે ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી કલબમાં જુગાર રમતા ધવલ અનિલભાઈ રાજગોર, માલાણી ફળિયું, ભુજ, ધીરેન હીરાજી સંઘાર, ગામ પીપરી તા-માંડવી, કિશોર વાલાજી સંઘાર બિદડા- તા-માંડવી, લીલાધરભાઈ બેચરભાઈ સંતોકી,પંચાસર રોડ, મોરબી. લાઇટ હાઉસ પવનચક્કી રોડ, માંડવી, ધવલ શંભુભાઈ મંગે, ધવલ નગર 2, માંડવીને પકડી લેવામાં આવ્યા હતા.
આ 11 આરોપીઓ વોન્ટેડ
અશોક કેસરભાઈ સંઘાર, રહે-ગામ-પીપરી (મુખ્ય આરોપી), હિરેન આશિષભાઈ સંઘાર, ગામ પીપરી (મુખ્ય આરોપીનો ભાગીદાર), હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર-ભુજ, પૂજન ગીરીશભાઈ રાજગોર-ભુજ, જાવેદ હિંગોરજા-ભુજ, સાજીદ હિંગોરજા-ભુજ, રામજી-રામો હીરાલાલ સંઘાર-ગામ પીપરી, મહાદેવ શિવજીભાઈ સંઘાર- ગામ પીપરી, જખુભાઈ હાજાભાઈ સંઘાર, ગામ-પીપરી, અનીયો બાપુ-માંડવી અને હોન્ડા એક્ટિવા GJ-12 EK 6641ના ધારક ભાગી છૂટ્યા હતા.
રોકડ 44,500 સહિત આ સામગ્રી પકડાઇ
રોકડ જપ્ત રૂ.-44,500, મોબાઈલ-6 જેની કિંમત રૂપિયા 95,000, વાહનો 04 કિંમત રૂ -1,00,000 અને અન્ય વસ્તુઓ 850/ મળીને કુલ મુદ્દામાલ રૂપિયા 2,40,350નો નોંધાયો છે. એસ.એમ.સીના પીએસઆઈ વી.એન.જાડેજાએ આ દરોડો પાડ્યો હતો.
કોડાય વિસ્તારમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પૂર્વે કોડાય પોલીસ વિસ્તારમાંથી જ એલસીબીએ વિક્રમી 1.54 કરોડનો શરાબ ઝડપ્યો હતો અને ત્યાં ફરી એસએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયાનો સળવળાટ શરૂ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA