પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોના સંયુક્ત ઉપક્રમે 12 જુલાઈ 2025ના રોજ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા અને હારીજ તાલુકાની ચાર શાળાઓના 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય માનક બ્યુરોના અધિકારી સંદીપભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં માનકોના મહત્વ વિશે માહિતી આપી હતી. સાથે જ તેમણે બ્યુરોના ઇતિહાસ, કામગીરી અને વિવિધ ક્ષેત્રોમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
વિદ્યાર્થીઓમાં જ્ઞાનવૃદ્ધિ અને રસ જાગૃત થાય એ હેતુથી કાર્યક્રમ દરમિયાન ક્વિઝ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુણવત્તા અને પ્રમાણભૂત ઉત્પાદનો અંગેની સમજણ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સાયન્સ સેન્ટર પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ કહ્યું કે માનકોની સમજ વિના ઉત્પાદનની ગુણવત્તા ઓળખવી અશક્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવી પહેલો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચિંતન સાથે ગુણવત્તાના મૂલ્યો પણ વિકસે છે. ભારતીય માનક બ્યુરોની આ પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરાહનીય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર