નવસારી, 13 જુલાઈ (હિ.સ.)- પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ખેડૂતોને વેચાણ કેન્દ્ર મળે અને તેમના ઉત્પાદનને સારું વળતર મળે તેમજ ગ્રાહકોને ઉત્તમ અને વ્યાજબી ભાવે અનાજ, ફળફળાદી અને પ્રાકૃતિક ઉત્પાદનોનું યોગ્ય પોષણ મળે રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જે અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે નવસારી શહેરના અટલ બિહારી વાજપાઈ સ્થિત મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ જગ્યાથી પ્રાકૃતિક ખેત પેદાશ સાથે ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા.મંત્રી સી.આર.પાટીલ તથા મહાનુભાવોએ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રમાં જિલ્લામાંથી આવેલ ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પેદાશો ઓનલાઇન માધ્યમથી પ્રાપ્ત થાય તે હેતુથી બનાવવામાં આવેલ નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ મંત્રી સી.આર.પાટીલ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈ , નવસારી મહાનગરપાલીકા કમિશનર દેવ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , નવસારી પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલ , નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ , જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ , જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા , જિલ્લા વહીવટી તંત્રના કર્મચારી તથા જિલ્લાના પ્રાકૃતિકૃષી સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે , આ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્ર પ્રારંભિક તબક્કે દર અઠવાડિના મંગળવાર અને ગુરુવારે સવારે 8:00 થી 11:00 વાગે સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે જ્યાં પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવશે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે