જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં સોની વેપારી બે ગ્રાહકો પાસેથી સોનુ બનાવવા માટે રોકડ રૂ.1.90 લાખ અને 26 ગ્રામ સોનુ લઈને દુકાન બંધ કરીને અન્ય સ્થળે સ્થળાંતર થઈ જતા અને સોનુ-રૂપિયા ન આપીને છેતરપિંડી આચરી, ફોનમાં ધમકી આપતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, શહેરના દિગ્વીજ્ય પ્લોટ-58માં રહેતા વર્ષાબેન ગોપાલભાઈ કટારમલ (ઉ.વ.58) નામના મહિલાના પુત્રના લગ્ન હોય અને તેમને દિગ્વિજય પ્લોટ-54માં આવેલી હરી ઓમ જવેલર્સવાળા જય વસંતભાઈ સોનીની દુકાને સોનાનું મંગળસુત્ર બનાવવા માટે આપ્યું હતું અને તેમણે 26 ગ્રામ સોનુ અને રોકડ રૂ.90 હજાર આપ્યા હતા.
સાહેદ મહાવીરસિંહએ પણ પોતાની પુત્રી માટે સોનાના દાગીના બનાવવા માટે આપ્યા હોય અને રોકડ રૂ.1 લાખ એડવાન્સ આપેલ હતા. જે બાદ સોનાના દાગીના આપવાનો સમય થઈ જતાં આરોપી સોની વેપારીએ અમદાવાદ બનાવવા માટે આપ્યા હોવાનું કહીને આવે એટલે આપી દેવાનું કહેતા હતા.
આ દરમ્યાન જય સોનીના પિતાનું અવસાન થતાં થોડો સમય રાહ જોયા બાદ આરોપીએ દુકાન બંધ કરીને ઘરને તાળા મારીને અન્ય સ્થળે સ્થળાંતર થઈ ગયા હતા અને મહિલાએ અને સાહેદ પૈસા માટે ફોન કરતા હોય અને વેપારીએ પૈસા કે સોનાના દાગીના આપવાની ના પાડીને છેતરપીંડી કરીને મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT