મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું દગાવાડિયા ગામ પોતાના સંગઠન અને સમરસતા માટે જાણીતું છે. અંદાજે 3,500 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા 25 વર્ષથી ચૂંટણી વગર સંવાદ દ્વારા સરપંચ પસંદ કરે છે. વિવિધ જ્ઞાતિઓની સાથે મળી ગામના લોકો સહમતીથી નેતૃત્વ નક્કી કરે છે. હાલના સરપંચ ભીખાભાઈ ચૌધરી છે. ગામમાં શેટલા વીર મહારાજનું પ્રાચીન મંદિર, પાયાની સુવિધાઓ, પાકા રસ્તા અને પાણી માટે ઓવરહેડ ટાંકી જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
દગાવાડિયા ગામે આજે પણ 100 વર્ષથી વધુ જૂની શાળાની સાથે પ્રાથમિક અને હાઈસ્કૂલ શિક્ષણની સુવિધા ધરાવે છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન અને કન્સ્ટ્રક્શન જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્રણે ક્રેડિટ સોસાયટી અને એક બેંકની શાખા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી વ્યવસ્થા ગૌરવની બાબત છે.
ગામના વિકાસ માટે સરપંચ અને ગ્રામ પંચાયત તરફથી વિવિધ પગલાં લેવામાં આવે છે. ખાસ કરીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરીને 1,600થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં 4,000થી વધુ વૃક્ષારોપણનું આયોજન છે. સરકારી યોજનાની માહિતી ગામ લોકો સુધી સરળતાથી પહોંચે અને સહાય મળી રહે એ માટે પણ અહીં નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR