પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના પ્રગતીશીલ ખેડુત લખમણભાઈ રામભાઈ કેશવાલા કોઇ પણ પ્રકારના રાસયણીક ખાતરનો ઉપયોગ કરવાને બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાતરના ઉપયોગથી ખેતીની જમીનની ઉપજ વધારીને વધુ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. લખમણભાઈ કેશવાલા જણાવે છે કે તેઓ આશરે છેલ્લા 13 વર્ષથી 30 વિઘા જમીન પર પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર થયેલ ખાતર વડે ખેતી કરી રહ્યા છે, અને ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે અને મોસમ પ્રમાણે ઘાણા, માંડવી, જીરૂ, મગ, તલ સહીતના પાકોની પેદાશ કરી રહ્યા છે.
સામાન્ય રીતે ખેડુતો રાસાયણીક ખાતર દ્વારા જ સારી અને વધુ ઉપજ મેળવી શકાય છે તેવી માન્યતા રાખતા હોય છે પરંતુ તેની સામે લખમણભાઈ કેશવાલા એવુ ઉદાહરણ છે જે પ્રાકૃતિક રીતે તૈયાર કરાયેલ ખાતર દ્વારા ઉત્તમ અને વધુ ઉત્પાદન મેળવવાની સાથે- સાથે જમીનનુ પણ જતન કરી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર ખાતરના ઉપયોગથી ખેતરમાં ખેડુત મિત્ર કિટકોનું પ્રમાણ પણ જોવા મળે છે જેનાથી વિવિધ પાકોમાં અન્ય રોગો પણ જોવા મળતા નથી. રાસાયણીક ખાતરની સરખામણીમાં પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરનો ખર્ચ ઓછો છે અને ફાયદાઓ વધુ છે. રાસાયણીક ખાતરથી જ્યારે જમીન ખરાબ થાય તે તેના બદલે પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરાયેલા ખાતરના ઉપયોગથી જમીનનુ પણ જતન થાય છે અને ઉત્પાદન પણ સરખામણીમાં ઉત્તમ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya