જૂનાગઢ, 28 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત તા.૨૭/૦૭/૨૦૨૫ના રોજ જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન સીટી સ્પોર્ટ્સ, મજેવડી ગેઇટ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતું.
જેમાં જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકાના તાલુકાકક્ષા સ્પર્ધાની અં.૧૪/૧૭/૧૯ ભાઈઓ/બહેનોની પ્રથમ વિજેતા ટીમ અને મહાનગરપાલિકાના દરેક ઝોનની ઝોનકક્ષા સ્પર્ધાની અં.૧૪/૧૭/૧૯ ભાઈઓ/બહેનોની પ્રથમ વિજેતા ટીમ મળી અંદાજીત ૧૦૦ ટીમો મળી કુલ ૧૧૫૦ જેટલા ખેલાડીઓએ કબડ્ડી સ્પર્ધામાં પોતાનું કૌવત દાખવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢ શહેર ભાઈઓની સ્પર્ધા અં.૧૪માં મીનરાજ શૈક્ષણિક સ્કુલ, અં.૧૭માં કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ, અં.૧૯માં ક્રિષ્ના સ્કુલ અને બહેનોની સ્પર્ધામાં અં.૧૪/અં.૧૭/અં.૧૯ એમ ત્રણેય વયજૂથમાં સ્વ.કે.જી.ચૌહાણ ગલ્સ સ્કુલ વિજેતા થઈ હતી. તેમજ જૂનાગઢ ગ્રામ્ય ભાઈઓની સ્પર્ધા અં.૧૪માં સૈનિક સ્કુલ, ચાપરડા અં.૧૭માં આલ્ફા વિદ્યા સંકુલ, અં.૧૯માં આલ્ફા વિદ્યા સંકુલ વડાલ અને બહેનોની સ્પર્ધામાં અં.૧૪/અં.૧૭/અં.૧૯ એમ ત્રણેય વયજૂથમાં આલ્ફા વિદ્યા સંકુલ શાળાની ટીમો વિજેતા થયેલ હતી.
હવે પછી રાજ્યકક્ષાએ ભાગ લેનાર જૂનાગઢ જિલ્લાની ટીમમાં આ સ્પર્ધા દરમિયાન પસંદગી પામેલ ખેલાડીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે ચેરમેનશ્રી, સેનીટેશન સમિતિ, જૂનાગઢ મહાનગરપાલિકા, શ્રી બીનાબેન દોમડીયા, શ્રી દક્ષાબેન ઉપસ્થિત રહી કબડ્ડી રમતના નેશનલ ખેલાડીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પુંજાભાઈ સિસોદિયાએ બાળકોને રમતગમત પ્રત્યે વધુમાં વધુ રૂચી કેળવાય તે માટે જૂનાગઢ જિલ્લામાં રમત-ગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવાની બાહેંધરી આપી હતી. તેમજ કબડ્ડી સ્પર્ધા આપણી ભારતીય સંસ્કૃતિમાં રમાતી રમતોમાંથી એક છે. જેમાં નેતૃત્વ ખેલદિલી જેવા ગુણો ખેલાડીઓમાં કેળવાય છે. તેવું જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા દ્વારા જણાવાયું હતું. શ્રી બીનાબેન દોમડીયા દ્વારા ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ શ્રી ગીરીશભાઈ પાંચાણી, શ્રી ઈરફાનભાઈ ગરાણા, શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી હેમંતભાઈ ચાવડા, શ્રી દર્શનભાઈ વાઘેલા, શ્રી ભરત પરમાર જયેશભાઈ રાઠોડ સહીતના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહી બાળકોના મનોબળમાં વધારો કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ