લિંબાયતનાં ગોવિંદનગર કબ્રસ્તાનમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં રોષ
સુરત , 28 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગર પાલિકાનાં ઉધના અને લિંબાયત સહિત કતારગામ ઝોનમાં કેમિકલયુક્ત ઝેરી પાણી રસ્તાઓ પર ઉભરાવવાની સમસ્યા હવે સામાન્ય થઈ ચુકી છે. ખાસ કરીને તપેલા ડાઈંગનાં ન્યુસન્સને પગલે આ સમસ્યાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતિનો સ
Surat


સુરત , 28 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગર પાલિકાનાં ઉધના અને લિંબાયત સહિત કતારગામ ઝોનમાં કેમિકલયુક્ત ઝેરી પાણી રસ્તાઓ પર ઉભરાવવાની સમસ્યા હવે સામાન્ય થઈ ચુકી છે. ખાસ કરીને તપેલા ડાઈંગનાં ન્યુસન્સને પગલે આ સમસ્યાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. રોગચાળાની ભીતિ વચ્ચે આ સમસ્યા પર અંકુશ મેળવવામાં મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર એકંદરે વામણું પુરવાર થયું છે. આ સ્થિતિમાં લિંબાયત ઝોનમાં ગોવિંદ નગર પાસે આવેલ કબ્રસ્તાન અને આસપાસનાં વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

લિંબાયત ઝોનમાં તપેલા ડાઈંગ એકમો દ્વારા છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલયુક્ત પાણીનો ડ્રેનેજ લાઈનમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, લિંબાયત ઝોનનાં વહીવટી તંત્ર દ્વારા છાશવારે આ પ્રકારનાં ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે સંખ્યાબંધ તપેલા ડાઈંગો વિરૂદ્ધ સીલિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જો કે, તપેલા ડાઈંગનું ન્યુસન્સ વહીવટી તંત્ર માટે હવે સિરદર્દ બની ચુક્યું છે. મોટા ભાગે સ્લમ વિસ્તારોમાં ભાડાની મિલ્કત પર બેફામ ચાલતાં તપેલા ડાઈંગો દ્વારા કેમિકલયુક્ત પાણી બારોબાર ડ્રેનેજની લાઈનમાં છોડી દેવામાં આવતાં વધુ એક વખત વિવાદ થવા પામ્યો છે. લિંબાયતનાં ગોવિંદ નગર પાસે આવેલ રાવનગર કબ્રસ્તાનમાં ગઈકાલે કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કબરો પર આ પ્રકારનાં કેમિકલયુક્ત પાણીને પગલે લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધાર્મિક લાગણી દુભાતા મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા પણ આ અંગે ફરિયાદો પણ કરવામાં આવી હતી.

અસલમ સાયકલવાલા દ્વારા લિંબાયત ઝોનને તાળાબંધીની ચીમકી

મુસ્લિમ સમાજનાં આગેવાન અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેઓએ લિંબાયત ઝોનનાં વહીવટી તંત્રની નાદારીને પગલે આ પ્રકારની ઘટના થતી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, લિંબાયત ઝોન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની ચુક્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. સર્વ ધર્મ સમભાવની વાતો કરતાં વહીવટી તંત્રને ચીમકી ઉચ્ચારતાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન થશે તો લિંબાયત ઝોનનો ઘેરાવ કરીને તાળાબંધી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande