સુરત, 28 જુલાઈ (હિ.સ.)-સુરત શહેર-જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન આકાશ કાળા ભમર વાદળોથી છવાયેલું રહ્યું હતું. સુરત શહેરમાં વહેલી ચાર કલાક દરમિયાન પોણા બે ઈચ વરસાદ નોંધાયો હતો. જયારે સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા દરમિયાન ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ચાર ઈચ વરસાદ વરસ્યો હતો. જયારે પલસાણામાં 40 મી.મી., બારડોલીમાં 39 મી.મી., મહુવામાં 27 મી.મી.,ચોર્યાસીમાં 15 મી.મી. કામરેજમાં 30 મી.મી., માંડવીમાં 12.00 મી.મી., માંગરોળમાં 15 તથા ઓલપાડમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ઉકાઈ ડેમમાં ધીમીધારે પાણીની આવક થઈ રહી છે. સાંજે 4.00 વાગ્યાની સ્થિતિએ 333 ફુટના રૂલ લેવલની સાથે 53282 કયુસેક ઈનફલો તથા 800 કયુસેક પાણી છોડાતા ડેમની સપાટી વધીને 327.47 ફુટ થઈ હતી.
માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 10 રસ્તાઓ પાણીના ઓવર ટોપીંગના લીધે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યાં છે. જેમાં માંડવીના મોરીઠા કાલિબેનલ રેગામા રોડ, ઉશ્કેર મુજલાવ બૌધના રોડ, ઉટેવા ગામીત ફળીયા રોડ, આબા ચોરા ફળીયા ઉટેવાનો રસ્તો, માંગરોળના લીંબાળા મોટી પારડી તરફનો રસ્તો, માંગરોળથી નાની નરોલી, પલસાણા તાલુકાના બગુમરા બલેશ્વર રસ્તો, મહુવા તાલુકાના નળધરા સરકાર ફળીયાથી ટુ બેઝીયા ફળીયા સુધી, મહુવરીયા કાંકરી મોરા તરફના રસ્તાનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન લોકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે