મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : બહુચરાજી પંથકમાં છેલ્લા 10 દિવસના વિરામ બાદ મઘા નક્ષત્રમાં શનિવારથી ધીમીધારે વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવો જોશ જોવા મળ્યો છે. આ વરસાદ કપાસ, અડદ સહિતના ઊભા કઠોળ પાકો માટે વરદાનરૂપ સાબિત થશે. ઉપરાંત, એરંડાની મોટા પાયે ખેતી થતી હોવાથી વાવણી માટે રાહ જોઈ રહેલા ખેડૂતોને હવે નવી આશા મળેલી છે.
તાલુકામાં સિઝનના 27.60 ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી માત્ર 5.71 ઇંચ એટલે કે 20.06% વરસાદ નોંધાયો છે. જેના કારણે કૃષિ વિભાગના અંદાજ મુજબ 27,922 હેક્ટર સામે ફક્ત 5,257 હેક્ટર એટલે કે 18.83% હેક્ટરમાં જ વાવેતર શક્ય બન્યું છે. જેમાં સૌથી વધુ અડદનું 1,203 હેક્ટર અને તુવેરનું 1,057 હેક્ટર વાવેતર થયું છે.
આ વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે પંથકમાંથી પસાર થતી રૂપેણ, પુષ્પાવતી અને ખારી નદીઓમાં હજુ સુધી પાણી આવ્યું નથી, જેના કારણે પાણીના પરંપરાગત સ્ત્રોતો પણ સુકાઈ રહ્યા છે અને ખેડૂતવર્ગ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR