ઉજ્જૈન, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.). મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા સોમવારે રાત્રે 12 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. મહાનિર્વાણી અખાડાના મહંત વિનીતગીરી મહારાજે ત્રિકાલ પૂજા કર્યા પછી મંદિરના દરવાજા ખોલ્યા હતા. આ પછી, ભક્તો માટે દર્શનની પ્રક્રિયા શરૂ થઈ, જે મંગળવારે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાક ચાલુ રહેશે. ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે રાત્રે ભક્તોની લાંબી કતાર રહે છે.
મહાકાલેશ્વર મંદિર સમિતિના સંચાલક પ્રથમ કૌશિકે જણાવ્યું હતું કે, શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા દર વર્ષે નાગપંચમીના દિવસે ફક્ત એક જ વાર 24 કલાક માટે ખોલવામાં આવે છે. ભક્તો મંગળવારે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી દર્શન કરી શકશે. અહીં નાગપંચમી પર બપોરે 12 વાગ્યે મહાનિર્વાણી અખાડા દ્વારા ફરીથી પૂજા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ભગવાન મહાકાલની આરતી પછી, પુજારીઓ અને પુરોહિતો દ્વારા અંતિમ પૂજા કરવામાં આવશે. આ પછી, મધ્યરાત્રિ 12 વાગ્યે મંદિરમાં આરતી કરવામાં આવશે અને મંદિરના દરવાજા ફરીથી બંધ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, નાગપંચમી પર્વ નિમિત્તે, દેશભરમાંથી પાંચ લાખથી વધુ ભક્તો ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વરના દર્શન કરવા આવે તેવી અપેક્ષા છે. ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રે 200 વરિષ્ઠ અધિકારીઓ, 2,500 કર્મચારીઓ, 1,800 પોલીસકર્મીઓ અને 560 સીસીટીવી કેમેરા તૈનાત કર્યા છે.
11 મી સદીના શ્રી નાગચંદ્રેશ્વર ભગવાનની દુર્લભ મૂર્તિ
શ્રી નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 11મી સદીની માનવામાં આવે છે. આ અદ્ભુત મૂર્તિમાં, ભગવાન શિવ અને માતા પાર્વતી સાપના આસન પર બેઠેલા છે. ભગવાન શિવ સાપની શય્યા પર સુતેલા દેખાય છે, અને તેમની સાથે માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓ છે. મૂર્તિમાં સપ્તમુખી નાગ દેવતાનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સાથે, ભગવાન શિવ અને પાર્વતીના વાહન નંદી અને સિંહ પણ મૂર્તિમાં બિરાજમાન છે. ભગવાન શિવના ગળા અને હાથમાં સાપ વીંટળાયેલા છે, જે આ મૂર્તિની વિશેષતા વધુ દિવ્ય બનાવે છે.
શ્રી મહાકાલેશ્વર મંદિરની રચના ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તળિયે ભગવાન મહાકાલેશ્વરનું ગર્ભગૃહ છે, બીજા ભાગમાં ઓમકારેશ્વર મંદિર છે અને ત્રીજા અને ઉપરના ભાગમાં શ્રી નાગચંદ્રેશ્વર મંદિર છે. ઇતિહાસકારોના મતે, આ મંદિર 1050 ની આસપાસ પરમાર વંશના રાજા બોજરાજાએ બનાવ્યું હતું. બાદમાં 1732 માં, સિંધિયા રાજવી પરિવારના મહારાજ રાણોજી સિંધિયાએ મહાકાલ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે, શ્રી નાગચંદ્રેશ્વર ભગવાનની આ દુર્લભ મૂર્તિ નેપાળથી લાવીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ