ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ. પ્રાચ્યવિદ્યા સંશોધન એવં પ્રશિક્ષણ કેન્દ્ર અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્લીના આર્થિક સહયોગ અને સંયુક્ત ઉપક્રમે, ૧૦ દિવસીય लिपि एवं पाण्डुलिपि विज्ञान પ્રશિક્ષણ કાર્યશાળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસર ખાતે યોજાયો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ, મુખ્ય અતિથિરૂપે ભો.જે. વિદ્યાભવનના પ્રભારી નિદેશિકા પ્રીતિબેન પંચોલી, વિશેષ અતિથિ તરીકે કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા, પ્રાચ્યવિદ્યા સંશોધન એવં પ્રશિક્ષણ કેન્દ્રના પ્રભારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલ, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝા, યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા, સંશોધન અધિકારી ડૉ.કાર્તિક પંડ્યા, અધ્યાપકો, કર્મચારીઓ તેમજ પ્રશિક્ષણ વર્ગમાં સમગ્ર દેશમાંથી ભાગ ગ્રહણ કરનાર આશરે ૮૦ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. લિપિ અને પાંડુલિપિનું જ્ઞાન મેળવવું અતિ આવશ્યક છે.
સૌપ્રથમ દીપપ્રાગટ્ય અને મંગલાચરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ડૉ.પંકજકુમાર રાવલ દ્વારા મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કરી પ્રશિક્ષણ કાર્યશાળાની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. ત્યારબાદ પ્રો.વિનોદ કુમાર ઝા અને પ્રિ.ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યાએ પ્રસંગોચિત ઉદ્બોધન રજૂ કર્યું. કાર્યશાળાના મુખ્ય-અતિથિ ડૉ.પ્રીતિબેન પંચોલીએ ઉદ્બોધન આપતા જણાવ્યું કે, લિપિ અને પાંડુલિપિનું જ્ઞાન મેળવવું અતિ આવશ્યક છે.
ત્યારબાદ કાર્યશાળાના વિશિષ્ટ-અતિથિ અને અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ પોતાના ઉદ્બોધન આપતા જણાવ્યું કે, અત્રેની યુનિવર્સિટીમાં IKS (ભારતીય જ્ઞાન પ્રણાલી), માતૃકાવિજ્ઞાન, આંતર-શાખાકીય અને બહુશાખાકીય અનુસંધાનને પ્રાધાન્ય આપવું તે યુનિવર્સિટીની વિશેષ ઓળખ બની રહેશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ, કાર્યશાળાના પ્રેરક-માર્ગદર્શક એવા પ્રો. સુકાંત કુમાર સેનાપતિએ પોતાનું અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું કે IKS અંતર્ગત શાસ્ત્રમાં નિર્દિષ્ટ વિવિધ ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓને પ્રાધાન્ય આપી સંશોધન શક્ય છે. અપ્રકાશિત પાંડુલિપિનું સંપાદન કરીને પ્રકાશિત કરવા સૌને હાંકલ કરી.
અંતે સંશોધન અધિકારી અને પ્રશિક્ષણ કાર્યશાળાના સંયોજક ડૉ.કાર્તિક પંડ્યા દ્વારા, ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંયોજન અને મંચ-સંચાલન સંશોધન મદદનીશ તથા કાર્યશાળાના સહસંયોજક ભાવિનકુમાર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. અંતે પૂર્ણતા મંત્રથી ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ