પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : શંખેશ્વર તીર્થમાં સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ત્રિસ્તુતિક જૈન સમુદાયના મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ દ્વારા વિધાનપૂર્વક શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની શરૂઆત શંખેશ્વર તીર્થના મુખ્ય મંદિરથી કરવામાં આવી હતી.
શાહી શોભાયાત્રામાં ભગવાન અને ગુરુ ભગવંતોના રથ, ઘોડા, અષ્ટમંગલ મંડળી, ચામર, મોર નૃત્યમંડળી, બેન્ડ, નાશિક તથા દેશી ઢોલના તાલે ભાવિ ભક્તિ દર્શાવવામાં આવી હતી. શંખેશ્વરના મહિલા મંડળ, સામયિક મંડળ સુરત, અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન મહિલા પરિષદ ડીસા અને અમદાવાદથી આવેલા બહેનો કળશ ધારણ કરીને સામૈયું કર્યું હતું. વિવિધ ધર્મના લોકોના સાથથી સમરસતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું.
ત્યારબાદ યોજાયેલી ધર્મસભામાં આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ, પૂર્ણચંદ્રસૂરિ મહારાજ, મહાનંદસૂરિ મહારાજ અને દિવ્યચન્દ્રસૂરિ મહારાજ સહિત અનેક વિધિદ્ધ સાધુ-સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગીતકાર કૃણાલભાઈ સુરાણીએ ગુરુભક્તિથી ભરપૂર સંગીતની મનમોહક રજૂઆત કરી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ ધર્મસભામાં પાટણના જિલ્લા અધિક કલેક્ટર વંદનસિંઘ સહિત ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ, હસમુખભાઈ વેદાલિયા, રમેશભાઈ અનોખી અને જાપાનથી આવેલા તુલસીબહેન સહિત વિવિધ મહાનુભાવોએ પ્રવચન આપ્યા હતા. તુલસીબહેને શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજના ફોટા અને પધારેલા ગુરુ ભગવંતોના ગુરુપૂજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ વેદાલિયા ડીસાએ કર્યું હતું. પ્રમુખ અને ટ્રસ્ટીઓ ઉપરાંત કેયુર દોશી (મુનિરાજના ભત્રીજા) અને યોગેશ શાહના નેતૃત્વમાં શંખેશ્વર જૈન સંઘના સભ્યોનો સહયોગ કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર