ગાંધીનગર, 5 જુલાઈ (હિ.સ.) : ભારતીય વિચાર મંચ દ્વારા 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન' ખાતે 'બંધનમાં મંદિરો: અંગ્રેજોના નિયંત્રણથી સંસ્કૃતિની મુક્તિ સુધી - ૧૯૪૭માં સત્તા પરિવર્તન — પણ આપણાં મંદિરોની મુક્તિ બાકી' વિષય પર સંવાદાત્મક વિચારગોષ્ઠીનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંદીપ સિંહ ( સુવિખ્યાત ચિંતક, સંશોધક અને લેખક ) ઉપસ્થિત રહ્યા. વિષયના અભ્યાસુઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ સહિત આશરે ૧૦૦ લોકો આ વિચારોત્તેજક સંવાદના સાક્ષી બન્યા.
સંદીપ સિંહે તેઓના વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે માં ભારતીએ રાજકીય સ્વતંત્રતા મેળવી હોવા છતાં, દેશના મંદિરોને સ્વાધીનતા મળી નથી. તેઓએ આ મુદ્દાને 'સત્તાંતરણ સામે મુક્તિ' તરીકે વ્યાખ્યાયિત કર્યો. તેઓએ આપેલ જાણકારી અનુસાર, બ્રિટિશ શાસન દરમિયાન મંદિરોને જે રીતે રાજ્યના નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યાં હતાં, એ જ વ્યવસ્થા સ્વતંત્ર ભારતમાં પણ યથાવત ચાલી રહી છે. મંદિરોની વ્યવસ્થા, દાનની વહેંચણી, અને ધાર્મિક ટ્રસ્ટીઓની નિમણૂંક હજુ સરકારની મરજી પર આધારિત છે – આ વ્યવસ્થાને તેઓ 'સાંસ્કૃતિક બંધન' તરીકે વર્ણવે છે.
તાર્કિક છણાવટ સાથે તેઓએ જણાવ્યું કે મંદિરો માત્ર પૂજાનાં સ્થાનો નથી, પરંતુ ભારતના ઐતિહાસિક, આર્થિક અને સાંસ્કૃતિક વારસાનો આધારસ્તંભ છે. મંદિરો પાસે અઢળક સંપત્તિ અને દાન આવે છે, પરંતુ તેના યોગ્ય ઉપયોગ, પારદર્શિતા અને સ્વતંત્ર સંચાલન માટે હજી સુધી સંસ્થાગત માળખું વિકસ્યું નથી. મંદિરો પર સરકારની હસ્તક્ષેપપૂર્ણ ભૂમિકા અનેકવાર તેના આધ્યાત્મિક પ્રવાહમાં અડચણ ઉભી કરે છે અને આથી તેનું સ્વતંત્રતા સંચાલન અતિ આવશ્યક છે.
આ સંદર્ભમાં સંદીપ સિંહે તેમના લેખિત ગ્રંથો – Mandiron ke Liye Ek Dashak અને Arthvyavastha of Mandir – વિષે પણ વાત કરી હતી . પ્રથમ પુસ્તકમાં મંદિરોના રાજકીય અને ધાર્મિક દમન અંગે ચર્ચા છે, જ્યારે બીજું પુસ્તક મંદિરોની આર્થિક વ્યવસ્થા, દાન વ્યવહાર, ટ્રસ્ટીશિપ અને સામાજિક દાયિત્વ વિશે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરે છે. બંને પુસ્તકો હિંદુ મંદિરોને પોતાના સંસ્કૃતિલક્ષી અવકાશમાં પુનઃસ્થાપિત કરવા માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે.
મંદિર એક Eco System તરીકે કાર્ય કરે છે તે વિષેની માહિતીથી તેમણે શ્રોતાઓને અવગત કર્યા. મંદિરનું વાયુમંડળ, પ્રસાદ, પુજા સામગ્રી, ફૂલો, પર્યાવરણ તથા અનુષ્ઠાનો, તહેવારો, મંદિરમાં થતી પુજા જેવાં એકેએક પરિબળો એક પ્રણાલી તરીકે કાર્ય કરે છે. મુગલો દ્વારા આપણાં મંદિરો ધ્વંસ થયાં. સોમનાથનું મંદિર એ એક ઐતિહાસિક પુરાવો છે. સોમનાથ મંદિરનુ અનેક વખત પુનઃ નિર્માણ થયું છે, આપણી સરકાર મંદિરોના પુનઃ નિર્માણનું કાર્ય કરી રહી છે.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિર વ્યવસ્થામાંથી રાજ્યની દખલગીરી દૂર કરવી, તેને સ્વાયત્ત બનાવવાં, અને લોકજાગૃતિ દ્વારા મંદિરોને નમ્ર, પરિપૂર્ણ અને જવાબદાર સંસ્થાઓમાં રૂપાંતરિત કરવાનો હતો. શ્રોતાઓએ પણ કાર્યક્રમ પછી પ્રશ્નોતરી અને ચર્ચા દ્વારા પોતાનો સક્રિય સહભાગ કર્યો, જેમાં એ સ્પષ્ટ થઈ ગયું કે મંદિરોને માત્ર ધાર્મિક સ્થાન તરીકે નહીં, પરંતુ સામાજિક અને સંસ્કૃતિક ઊર્જા કેન્દ્ર તરીકે જોવાની જરૂર છે.
કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલા તર્કો, તથ્યો અને અકાટ્ય સત્યોના આધારે ઉપસ્થિત વિચારશીલ વર્ગમાં દ્રઢ એકમત બન્યો કે મંદિરો માટે આજે જે લડત છે તે માત્ર ધાર્મિક મુદો નથી, પરંતુ તે ભારતની સંસ્કૃતિ, ઓળખ અને આત્મસન્માન સાથે જોડાયેલો વિષય છે. આવા કાર્યક્રમો લોકોમાં જાગૃતિ પેદા કરીને નીતિ નિર્ધારણની દિશામાં મોટું યોગદાન આપી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ