ગાંધીનગર, 5 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ બજાર સમિતિના કાર્યવાહકો અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો થકી કાર્યરત આ સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા વેચતા ૧૦૦ ટકા શુદ્ધ ‘નિર્મલ’ બ્રાન્ડ સીંગતેલને પ્રજામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમજ દિન પ્રતિદિન વપરાશકારોની સંખ્યામાં વધારો થતાં ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.
રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓનો અમલ કરવામાં આવે છે. જે પૈકી ‘પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટેની યોજના’ અંતર્ગત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રોસેસીંગ યુનિટ બનાવવા માટે તેના કુલ ખર્ચના પ૦ ટકા રકમ રાજ્ય સરકારના કૃષિ,સહકાર અને ખેડૂત વિભાગ મારફતે આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નિર્મલ’ સીંગતેલ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારની પ્રખ્યાત જી-૨૦ મગફળીને પીલાણ કરતા પહેલા અત્યાધુનિક ગ્રેડર, ડી-સ્ટોનર તેમજ રાઉન્ડ ગ્રેડર મશીનમાં સાફ કરવામાં આવે છે. જેથી તેમાં રહેલા કાંકરા, માટી, ધુળ, ખરાબ દાણા અને અન્ય અશુદ્ધિઓ સહિત મગફળીમાં રહેલા રાસાયણિક ખાતર અને હાનિકારક તત્વોના અંશો પણ દૂર થઈ જાય છે. આમ, ૧૦૦ ટકા અશુદ્ધિઓ દૂર કરીને ચોખ્ખી મગફળીનું પીલાણ કર્યા બાદ મળતું સીંગતેલ લગભગ ઓર્ગેનિક કક્ષાનું અને આરોગ્ય માટે ઉત્તમ-શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આ સીંગતેલમાં FFA અને PVનું પ્રમાણ કંટ્રોલમાં રહે તે માટે તેમાં કોઈપણ કેમિકલ્સ ઉમેર્યા વગર માત્ર કોલ્ડ પ્રોસેસ કર્યા બાદ વધુ એક વખત ફિલ્ટર કરવામાં આવે છે જેથી તે સર્વોત્તમ ગુણવત્તાનું સીંગતેલ બની રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ