અમરેલી જિલ્લાના ચેકડેમો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી, 5 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં હાલના વરસાદથી ચેકડેમો સહિત મોટા ભાગના જળ સ્ત્રોતોમાં પાણીની ભરાવટ થતાં ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં આવેલા જીવનદાયી ડેમો છલકાઈ જતા ખેતી માટેની
ચેકડેમ છલકાયા


અમરેલી, 5 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં હાલના વરસાદથી ચેકડેમો સહિત મોટા ભાગના જળ સ્ત્રોતોમાં પાણીની ભરાવટ થતાં ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક વિસ્તારોમાં આવેલા જીવનદાયી ડેમો છલકાઈ જતા ખેતી માટેની આશા વધતી જોવા મળી છે.

રાજુલા તાલુકાના માડરડી ગામના ખેડૂત રમેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ સારું પ્રમાણ ધરાવતો રહ્યો છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજુલા તાલુકાના મુખ્ય ચેકડેમો ધાતરવડી 1 અને 2 છલકાઈ ગયા છે. આ બંને ડેમ ન માત્ર ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત પાણી પૂરુ પાડે છે પરંતુ રાજુલા શહેરના પીવાના પાણીની જરૂરિયાતને પણ પૂર્ણ કરે છે.

સાવરકુંડલા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા સુરજવાડી ડેમ પણ પૂરતો વરસાદ પડતાં છલકાઈ ગયો છે. ડેમ છલકાતાની સાથે બાઢડા, રામગઢ, ગોરડકા, લુવારા, મેરીયાણા સહિત આજુબાજુના 15થી વધુ ગામોના ખેડૂતો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે. તેની સાથે જ સાવરકુંડલા નજીકનો સેલ ડેદુમલ ડેમ પણ 70% જેટલો ભરાઈ ગયો છે, જેને કારણે શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને મોટી રાહત મળી છે.

આવકાળના વરસાદે માત્ર પાણીના સ્તર ઊંચા કર્યા નથી પરંતુ ખેતિમજૂર અને ખેડૂતવર્ગ માટે આશાની કિરણ પણ ઉભી કરી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને હવે રવિ અને ખારીફ બંને પાક માટે પૂરતું પાણી મળી રહે તેવી આશા છે. ડેમો અને ચેકડેમો ભરાતા પાણીની ભૂમિગત સ્તર સુધરશે અને પશુપાલન માટેની જરૂરિયાતો પણ પૂરી થશે.

વર્ષો બાદ આવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં નવજીવનનું નિર્માણ થયું છે અને રાજુલા તથા સાવરકુંડલા તાલુકાના વસ્તીઓમાં આભારના ભાવ સાથે ખુશીનો માહોલ છવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande