ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સ્વાસ્થ્ય સુધારણાના ભગીરથ પ્રયત્ન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે)ના માધ્યમથી રાજ્યની સંવેદનશીલ સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ દરકાર લે છે.
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામના રહેવાસી માનસિંગભાઈની દીકરી અંકિતાને સરકાર અને આરોગ્ય તંત્રની આવી જ વિશેષ દરકારની અનુભૂતિ થઈ છે.
માનસિંગભાઈના ઘરે ૯ વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો. દીકરીના જન્મ સમયે પરિવારમાં ખુશીનો ઉત્સાહ હતો પરંતુ જેવી પરિવારને જાણ થઈ કે અંકિતાને જન્મજાત હૃદયમાં ખામી છે તો પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતાં હ્રદયની સારવારનો ખર્ચ લાખોમાં થતો હોવાનું માલૂમ પડ્યું હતું. તોતિંગ ખર્ચ સાંભળીને જ છૂટક મજૂરીકામ કરતાં માનસિંગભાઈના કપાળ પર ચિંતાના વાદળો ઘેરાયાં હતાં. ગરીબ પરિવારના ઘરના ધબકારા સમાન લાડલી અંકિતાનું શું થશે એવી ચિંતા સમગ્ર પરિવારને કોરી ખાતી હતી.
આવા કપરાં સમયમાં સૂત્રાપાડા તાલુકાની આર.બી.એસ.કે. ટીમ માનસિંગભાઈની વ્હારે આવી હતી. આર.બી.એસ.કેના ડૉ.તૌસીફ ગોરી અને તેમની સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા અંકિતાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને હૃદયનું જટીલ ઓપરેશન કઈ રીતે કરાવવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
પહેલા તો હૃદયનું જટિલ ઓપરેશન કરાવવા માટે પરિવાર તૈયાર થયો નહોતો પરંતુ આર.બી.એસ.કે. ટીમનું સતત માર્ગદર્શન અને સમજાવવાની પ્રતિબદ્ધતા સામે આખરે પરિવાર ઓપરેશન માટે તૈયાર થયો.
સ્થાનિક આર.બી.એસ.કે ટીમના માર્ગદર્શનમાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે અંકિતાની વી.એસ.ડી. ક્લોઝર અને ટી.વી.રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીનો ખર્ચ પ્રાઈવેટ હોસ્પિટલમાં આશરે રૂ. ૪ થી ૫ લાખ જેટલો થતો હોય છે પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થયું હતું.
તા. ૧૭ જૂન ૨૦૨૫ના રોજ અંકિતાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૬ જૂનના રોજ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ૨૬ દિવસ ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા બાદ અંકિતા સંપૂર્ણપણે સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.
આમ, એકપણ રૂપિયાના ખર્ચ વગhર હ્રદયની બીમારીનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડતાં માનસિંગભાઈ અને તેમના પરિવારે સ્થાનિક આરોગ્ય ટીમ અને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત ચાલતો કાર્યક્રમ એટલે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ સેવા અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર, સંદર્ભ સેવા, કપાયેલા હોઠ, તાળવું, જન્મજાત બધીરતા જેવી જન્મજાત ખામીઓની સારવાર તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે. આટલું જ નહીં હૃદય, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતા બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ