આણંદ/ગાંધીનગર, 7 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી (P) સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું
અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ૬૦ વર્ષ અને સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય ચાર વર્ષમાં પાંચ પી (P) આધારે કામ કરી રહ્યું છે. People (જનસેવા કેન્દ્રિત), PACS (પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ), Platform (ડિજિટલ પ્લેટફોર્મ), Policy (નવી નીતિઓ) અને Prosperity (સમાજની સંપન્નતા)ના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલનું ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. દેશની દૂધ સહકારી મંડળીઓના રાષ્ટ્રીય સંગઠનનો પાયો પણ આ બન્ને મહાનુભાવોના હસ્તે નંખાયો છે. તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુંથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ૩૬ લાખ ગુજરાતી અને ૨૦ લાખ દેશભરના મળી કુલ ૫૬ લાખ બહેનો પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા રૂ. ૮૦ હજાર કરોડનું ટર્નઓવર કરે છે. જે આગામી વર્ષે એક લાખ કરોડ થશે, જેનો નફો ૫૬ લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે.
આ સંમેલનમાં શાહે સહકારી ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૧માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. ૮.૪૦ લાખની વધુ મંડળીમાં ૩૧ કરોડ સભાસદો જોડાયેલા છે. આ મંડળીઓ દૂધ, બેન્કિંગ, ખાંડની મિલો અને ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. આ મંત્રાલયના ચાર વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે.
અમિત શાહે સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતને કેન્દ્રમાં રાખવાની ત્રણ બાબતોને અમલમાં મૂકવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આ બાબતો વિના સહકાર લાંબો ટકી શકે નહીં. આ ભાવનાને કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી દરેક ગામડે પહોંચાડવી જોઈએ. અનેક દેશોમાં પારદર્શિતાના અભાવના કારણે સહકારી પ્રવૃત્તિ બંધ પડી છે.
પ્રારંભે તેમણે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની ૧૨૪મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે, શ્યામા પ્રસાદજીએ પશ્ચિમ બંગાળને ભારતનો ભાગ બનાવવામાં અને કાશ્મીરને દેશનો અભિન્ન હિસ્સો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. “એક દેશમાં બે નિશાન, બે વિધાન, બે પ્રધાન નહીં ચાલે”ના નારા સાથે તેમણે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે પંડિત નેહરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી, તે આજે ૧૨ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
તેમણે અમૂલ, એનડીડીબી અને કચ્છમાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવા બદલ તમામને શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું કે આ પહેલ નમક ઉત્પાદક ખેડૂતો માટે મોટી સફળતા બનશે. તેમણે ભારતના સહકારી ક્ષેત્રને મજબૂત કરી વિશ્વ માટે ઉદાહરણ બનાવવાનો સંકલ્પ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-
મુખ્યમંત્રીએ ગુજરાતના સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકાર આંદોલનની આગેવાની લીધી હતી, અને આજે સહકારીતામાં પણ અગ્રેસર છે. રાજ્યનું સહકારી ક્ષેત્ર રૂ. ચાર લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે, ૨૭ લાખથી વધુ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે અને રૂ. ૧૨૦૦૦ કરોડથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદનમાં રોજના 325 લાખ લિટરનો સંગ્રહ થાય છે, અને મહિલા-સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં ૨૧ ટકા તેમજ તેમની આવકમાં ૪૩ ટકાનો વધારો નોંધાયો છે.
તેમણે ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરની ગ્રામ પંચાયતોને સહકાર સાથે જોડવામાં આવી છે. બે લાખથી વધુ PACS દ્વારા ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા મળી છે, જે હવે પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્રો, પાણીના પ્રોજેક્ટ્સ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. સહકારી બેંકિંગ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અપનાવીને ગામડાંઓમાં આધુનિક બેંકિંગ સેવાઓ પહોંચાડી છે. રાજ્ય સરકારે ઈ-કોઓપરેટિવ પોર્ટલ દ્વારા મંડળીઓનું રજિસ્ટ્રેશન, ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે, જેનાથી પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્થાપિત સહકાર મંત્રાલયના ચાર વર્ષની સફળતાને બિરદાવી સહકાર મંત્રી શ અમિતભાઈ શાહના નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, સહકાર મંત્રાલયે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓને સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં નોંધપાત્ર કામગીરી કરી છે, જે દેશના વિકાસમાં નવું મોડલ બન્યું છે.
૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં ભારત વૈશ્વિક સ્તરે સહકારી મોડલનું ઉદાહરણ બનશે, તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન થયું છે, જે ભવિષ્યમાં સહકારી ક્ષેત્ર માટે યોગ્ય માનવસંસાધન તૈયાર કરશે. NDDB અને અમૂલના નવતર પ્રોજેક્ટ્સ ગુજરાતના ડેરી, ખેતી અને પશુપાલન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે. સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”નો મંત્ર ગામે ગામ સુધી સાકાર થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં સહકારી ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારીતા વિભાગના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પ્રારંભે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતીએ તેમના “એક દેશમાં બે નિશાન, બે વિધાન ન હોઈ શકે” ના વિચારો અને અખંડ ભારત માટેના તેમના સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરદાર સાહેબના માર્ગદર્શનથી ગુજરાતની ધરતી પર સહકારીતાનો પાયો નંખાયો, જે આજે રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
કાર્યક્રમના પ્રારંભમાં અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરીને ડેરી ક્ષેત્રે અમૂલનુ પ્રદાન વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે સહકારિતા મંત્રાલયના તથા અમૂલ ડેરીની સિદ્ધિઓને દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
ચોથા સહકારીતા વર્ષની ઉજવણીના અવસરે ભારત સરકારના સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ તથા મુરલીધર મોહોલ, ભારત સરકારના મત્સ્ય અને પશુપાલન રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, ભારત સરકારના મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્ય મંત્રી એસ.પી. બઘેલ, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, સાંસદ મિતેશભાઈ પટેલ, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્ર સહકાર વિભાગના સહકારિતા સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાણી, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અમૂલના એમ. ડી. ડૉ. અમિતભાઈ વ્યાસ, ગુજરાતના વિવિધ જિલ્લાના દૂધ સંઘના ચેરમેનઓ, દેશના વિવિધ રાજ્યોના સહકાર ક્ષેત્રના આગેવાનો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો, પશુપાલકો અને દૂધ મંડળીના મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ