પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાની સમી-હારીજ તાલુકા કોર્ટના નિવૃત્ત મેજિસ્ટ્રેટ વાય.એસ. બારોટને લાંબી કાનૂની લડત બાદ મોટી રાહત મળી છે. લાંચ રૂશ્વતના આરોપમાં ચાલી રહેલી 30 વર્ષ 6 માસ અને 5 દિવસ લાંબી કાર્યવાહી બાદ પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે તેમને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ 5 જુલાઈ 1994ના રોજ થયેલી ટ્રેપના બનાવથી શરૂ થયો હતો, અને ફરિયાદ 18 જાન્યુઆરી 1995ના રોજ નોંધાઈ હતી. આરોપી જજ સામે 15 ઓક્ટોબર 2024ના રોજ તહોમતનામું ફરમાવાયું હતું. 2 જુલાઈ 2019થી પુરાવા લેવામાં આવ્યા હતા અને છેલ્લે 5 ઓગસ્ટ 2025ના રોજ 80 પાનાના ચુકાદા દ્વારા જજને નિર્દોષ જાહેર કરાયા હતા.
કોર્ટના ચુકાદા અનુસાર, ફરિયાદ પક્ષ આરોપો વ્યાજબી શંકા રહિત રીતે સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. ટ્રેપ દરમિયાન અધિકારીઓએ જણાવ્યા મુજબ લાંચ બાબતે જજ બારોટે કોઇ હેતુલક્ષી વાતચીત કરી હતી કે લાંચ રૂપે વીંટી અને રોકડ રકમ સ્વીકારી હતી, તે સાબિત થઈ શક્યું નથી. જેથી કોર્ટે તેમને સંપૂર્ણ રીતે નિર્દોષ છોડી મૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર