નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની ચાલી રહેલી બેઠકમાં પહેલગામ ઘટનાનો ઉલ્લેખ કરતા આતંકવાદને માનવતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ અંગે કોઈપણ પ્રકારનું બેવડું ધોરણ સ્વીકાર્ય નથી અને બધા દેશોએ એક થઈને તેની સામે કડક વલણ અપનાવવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ ભેદભાવ વિના આતંકવાદના દરેક સ્વરૂપ અને રંગનો વિરોધ કરવો એ માનવતા પ્રત્યે આપણું કર્તવ્ય છે. તિયાનજિન (ચીન) માં આયોજિત 25મા એસસીઓ શિખર સંમેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ ઉપરોક્ત વાતો કહી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા 24 વર્ષથી એસસીઓ માં હંમેશા સકારાત્મક અને રચનાત્મક ભૂમિકા ભજવી છે. ભારતની નીતિ સુરક્ષા, જોડાણ અને તક આ ત્રણ સ્તંભો પર આધારિત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુરક્ષા, શાંતિ અને સ્થિરતા કોઈપણ દેશની પ્રગતિનો પાયો છે. આતંકવાદ આ લક્ષ્યોના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે સમગ્ર માનવતા પર સીધો પ્રહાર છે. તેમણે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે ઉભા રહેલા મિત્ર દેશોનો આભાર માન્યો.
તેમણે કહ્યું કે, આ હુમલાથી એ પ્રશ્ન ઉભો થયો છે કે શું આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપતા દેશોના વર્તનને સ્વીકારી શકાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતી કામગીરીનું નેતૃત્વ કરીને આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે. તેમણે આતંકવાદી ભંડોળ સામે અવાજ ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના વર્ષ 2001 માં થઈ હતી અને આજે તે એશિયા ક્ષેત્રમાં રાજકીય, આર્થિક અને સુરક્ષા સહયોગ માટે એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ