મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા “આપણી શાળા – આપણું સ્વાભિમાન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શિક્ષણક્ષેત્રે ગુણવત્તા સુધારણા, શાળાઓની સર્વાંગી પ્રગતિ તથા શિક્ષક-વિદ્યાર્થી-અભિવાવક વચ્ચે સશક્ત જોડાણ સ્થાપવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમમાં જિલ્લા તેમજ રાજ્યના શિક્ષણવિદો, શિક્ષકો અને શાળાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે શૈક્ષિક મહાસંઘના વક્તાઓએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયોગો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલ અને શાળાઓને સ્થાનિક સ્તરે વધુ સક્ષમ બનાવવાના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. સાથે સાથે ગ્રામ્ય અને શહેરી શાળાઓ વચ્ચેનું અંતર ઘટાડવા, ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો સાથે શિક્ષણ આપવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમ્યાન અનેક શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા. મહાસંઘના આગેવાનો એ જણાવ્યું કે “શાળા માત્ર ભણતરનું કેન્દ્ર નહીં પરંતુ સમાજ નિર્માણનું પ્રબળ સાધન છે”. આવા આયોજનોથી શિક્ષકોમાં નવું ઉત્સાહ જન્મે છે અને શાળાઓનો ગૌરવ વધે છે.
આ રીતે મહેસાણા ખાતે યોજાયેલ આ કાર્યક્રમ શિક્ષણક્ષેત્ર માટે પ્રેરણાદાયી સાબિત થયો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR