નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.). ચીનના તિયાનજિનમાં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભારત-રશિયા ભાગીદારીની મજબૂતાઈ પર ફરીથી ભાર મૂક્યો. બેઠકમાં, મોદીએ પુતિન સમક્ષ યુક્રેન સંઘર્ષનો વહેલી તકે અંત લાવવાની માંગ પણ ઉઠાવી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ આર્થિક, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરી અને આ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં સતત વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો. વડા પ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવા માટે તાજેતરના પગલાંઓ માટે પોતાનો ટેકો પુનરોચ્ચાર કર્યો અને સંઘર્ષને ટૂંક સમયમાં સમાપ્ત કરવા અને કાયમી શાંતિ ઉકેલ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
મોદી અને પુતિને, બંને દેશો વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પોતાનો ટેકો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે, તેઓ આ વર્ષના અંતમાં 23મા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ